સાઈબર ગઠિયાઓ હવે છેતરપિંડીની એક નવી ટેકનિક સાથે બજારમાં આવી ગયા છે. ઠગાઈની આ પદ્ધતિમાં ગઠિયાએ ના તમને ઓટીપી પૂછવાની જરૂર છે કે ના તો લિંક મોકલવાની. બસ એક કોલ કરશે અને તે મર્જ કરવાનું કહેશે, તમે કોલ મર્જ કરો એટલે તમારું બેન્ક ખાતું ખાલી. કૌભાંડની આ પદ્ધતિની ખૂબી એ છે કે તમને લેશ માત્ર શંકા નથી જતી.શહેરમાં સાઈબર ફ્રોડના રોજ સરેરાશ 30થી 40 કેસ નોંધાય છે.
આ કૌભાંડ ધીરે ધીરે એટલું વ્યાપક બની રહ્યું છે કે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)એ લોકોને સાવધાન રહેવા `X’ પર એલર્ટ મેસેજ પોસ્ટ કરવો પડ્યો. યુપીઆઈ કે ઓનલાઈન બેન્કિંગ કરતી દરેક વ્યક્તિએ આ કૌભાંડ કેવી રીતે થાય છે તે જાણવું જરૂરી છે અને એથી વધુ ‘પાણી પહેલા પાળ’ બાંધી સતર્ક રહેવું વધારે જરૂરી છે.
કારણ કે સાઈબર નિષ્ણાતો કૌભાંડની એક ટેકનિક ઉઘાડી પાડે ત્યાં સુધીમાં તો સાઈબર ગઠિયા કોઈ નવી ટેકનિક શોધી લાવે છે. કોલ મર્જ કૌભાંડમાં યુઝરને કોલ મર્જ કરવાનું કહી ગઠિયા તેમની જાણ બહાર ઓટીપી સેરવી લઈ બેન્કનું ખાતું ખાલી કરી નાખે છે.