વડોદરા જિલ્લાના પાદરા કસ્બા વિસ્તારમાં આવેલી સરકારી જમીન ઉપર ખડકી દેવાયેલા દબાણો ઉપર વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી અને તેમની ટીમે આજે બૂલડોઝર ફેરવી દીધું હતું અને સરકારી રૂપિયા 1.80 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી. સરકારી તંત્ર દ્વારા સપાટો બોલાવતા દબાણકારોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.
વડોદરા જિલ્લામાં આવેલી સરકારી સર્વે નંબરની જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે કલેક્ટર બિજલ શાહ તથા નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલે પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને સૂચના આપી હતી. જેને અનુસંધાને વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણે પાદરામાં સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી.
તદ્દાનુસાર પાદરા કસ્બાના સર્વે નંબર 1320 ની અંદાજીત 5 હજાર ચોરસ મીટર જમીન પર આજ સવારથી બૂલડોઝર ફેરવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત વચ્ચે પાકા બાંધકામ, ઓરડીઓ સહિતના બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.