Gujarat

ગાજવીજ સાથે કરા પડ્યા, જાટાવાડા-બાલાસર-ધબડા-આણંદપર ગામોમાં જમીન ભીંજાઈ

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના અંતરિયાળ ગામોમાં આજે કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ-સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

સાંજે 5.15થી 5.45 દરમિયાન રાપર તાલુકાના જાટાવાડા, બાલાસર, ધબડા અને આણંદપર સહિતના ગામોમાં ગાજવીજ સાથે કરાનો વરસાદ પડ્યો હતો. જાટાવાડાના રાજેન્દ્ર વાઘેલા અને હકુભા રાજુભા જાડેજાએ કરા પડ્યાની પુષ્ટિ કરી હતી.

આણંદપર ગામના પ્રતાપ ઠાકોરે જણાવ્યું કે તેમના ગામમાં જોરદાર વરસાદ સાથે કરા પડ્યા હતા. ધબડા-બાલાસરમાં પણ કરા સાથે વરસાદ નોંધાયો હોવાનું એડવોકેટ વિનોદભાઈ ઠાકોરે જણાવ્યું હતું.

કરાના વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગ્રામીણોએ મોબાઈલ ફોનમાં વરસાદનો વિડીયો રેકોર્ડ કરી આનંદ માણ્યો હતો. જોકે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.