કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ કૃષિ અને ગ્રામ્ય સ્મૃદ્ધિ પર એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા જૂનાગઢ અને લીડ બેન્ક દ્વારા ખેડૂતોને સસ્તી અને સરળ લોન આપવા માટે સરકારની નવી પહેલ અંતર્ગત ઓનલાઇન પોસ્ટ-બજેટ વેબીનાર યોજાયો હતો. જેમાં કેન્દ્ર બજેટ ૨૦૨૫-૨૬ની ઘોષણાઓના અમલ પર ચર્ચા કરવામાં આવી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રના હિતધારકોને બજેટના અસરકારક અમલ માટે સૂચનો આપતા વિડીયો માધ્યમથી કહ્યું કે કૃષિ અને ગ્રામ્ય વિકાસની યોજનાઓનો અસરકારક અમલી બનાવવા માટે ખેડૂતો કૃષિ નિષ્ણાતો અને અન્ય સંબંધીત લોકોના વિચારો અને સૂચનો મહત્વપૂર્ણ છે. આથી સરકારને બજેટની યોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં લાવવામાં મદદ મળશે અને કૃષિ ક્ષેત્રને મજબૂતી મળશે.
KCC યોજના કૃષિ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે મહત્વપૂર્ણ બની છે. KCC-સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ ૪% ની અસરકારક અનુદાનિત વ્યાજ દર પર ખેડૂતોને લોન આપવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનો વધુમાં વધુ લાભ લેવા તેમજ પહેલાની રૂા. ૩ લાખ સુધીની રકમને વધારીને રૂા. ૫ લાખ કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે, અને ખેતી સાથે સંબંધિત ખર્ચાઓને પરિપૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કિસાન ક્રેડિટ કાર્ડનો વ્યાજ દર વાર્ષિક ૭% છે. ખેડૂતોને રાહત આપવા માટે વ્યાજ પર સબસીડી પણ આપે છે. જો ખેડૂતો સમયસર લોન ચૂકવે છે, તો તેમને ૩% વ્યાજ સબસીડી મળે છે, જેના કારણે કિસાન ક્રેડિટ કાર્ડનો અસરકારક વ્યાજ દર ૪% થાય છે.
આ તકે એસ.બી.આઇના એલ.ડી.એમશ્રી જી.એન.રાઠવા તથા આર.સેટી ડાયરેક્ટરશ્રી પી.આર.મુછાળ, આરસેટી સ્ટાફ ગણ તેમજ જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પણ આ વેબિનારમાં ઉપસ્થિત રહ્યા હતા