વડોદરાના વાઘોડિયામાં આવેલા જનરલ સ્ટોરમાં ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. ચોરે દુકાનમાંથી રોકડ રૂપિયા 2600ની ચોરી કર્યા બાદ દુકાનમાં આગ લગાવી દીધી હતી. દુકાનમાં આગ લગાવ્યા બાદ ભાગવા જતાં સ્થાનિકોએ તેણે ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો.
વાઘોડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. વાઘોડિયામાં મોડી રાત્રે બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.
છત પરથી ચોર ઘૂસ્યો હતો મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયામાં મોટા પાઠક ફળિયામાં રાજેશભાઇ ગોવિંદભાઈ શાહ પરિવાર સાથે રહે છે. તેઓની વાઘોડિયા બજારમાં સાંઈ જનરલ સ્ટોર્સ નામની દુકાન આવેલી છે. તેઓની દુકાનમાં મોડી રાત્રે એક ચોર છત ઉપરથી દુકાનમાં ઘૂસ્યો હતો. અને દુકાનમાંથી રોકડ રૂપિયા 2600ની ચોરી કરી હતી.
ચોર ભાગવા જતા સ્થાનિકોએ પકડ્યો ચોરી કર્યા બાદ ચોરે દુકાનમાં આગ લગાવી દીધી હતી. આગ વધુ પ્રસરે તે પહેલાં તે જે રસ્તેથી દુકાનમાં ઘૂસ્યો હતો તે રસ્તાએથી ભાગવા જતાં સ્થાનિકો તેને જોઇ ગયા અને તેને દબોચી લીધો હતો.
બીજી બાજુ દુકાનમાંથી આગની જ્વાળાઓ નિકળતા જોતજોતામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને પાણી મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
દુકાનનો તમામ સામાન બળીને ખાક આગના બનાવની જાણ દુકાન માલિક રાજેશભાઇ શાહને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા.
બીજી બાજુ આ બનાવની જાણ એપોલો ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદ લઇ બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. જોકે આગ કાબુમાં આવે તે પહેલાં દુકાનની અંદરનો તમામ સામાન બળીને ખાક થઇ ગયો.