Gujarat

જયપુરમાં આક્રોશ-શ્રદ્ધાંજલિ સભામાં જાટ આગેવાનોની માગ, 25 MLA અને 4 MPએ વિધાનસભા-લોકસભામા કરી હતી રજૂઆત

રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોત બાદ રાજસ્થાનમાં જાટ સમુદાયના લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

સમગ્ર કેસમાં યુવકનું અકસ્માતે મોત ન થયા હોવાનું તેમજ હત્યા થયા હોવાના આક્ષેપ સાથે CBI તપાસની માગ કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે જયપુરમાં CBI તપાસની માગ સાથે આક્રોશ અને શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ રાજકીય આગેવાનો CBI તપાસની માગ સાથે પીડિત પરિવારને ન્યાય અપાવવા એકઠા થયા હતા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજસ્થાનના 25 ધારાસભ્યો અને 04 સાંસદો દ્વારા રાજસ્થાન વિધાનસભા અને લોકસભામાં પણ CBI તપાસની માગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

આ અકસ્માત નહીં હત્યા છે નિષ્પક્ષ-પારદર્શક તપાસ CBI કરે રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોત મામલે જાટ સમાજમાં આજે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઘટનાને એક મહિનો થવા આવ્યો છતાં હજુ પણ રાજસ્થાનમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અને CBI તપાસની માગ સાથે જયપુરમાં આક્રોશ અને શ્રદ્ધાજલિ સભા મળી હતી. રાજસ્થાનના યુવા એડવોકેટ જયંત મુંડે જણાવ્યું હતું કે અમારી પહેલા દિવસથી એક જ માગ છે કે આ અકસ્માત નહિ પરંતુ હત્યા છે જે હત્યાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરાવવામાં આવે જેથી સત્ય બહાર આવે અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે.

આ હેતુ માટે 1 એપ્રિલ 2025 (મંગળવાર)ના રોજ સવારે 11:15 વાગ્યે શહીદ સ્મારક, કમિશનરેટ જયપુર ખાતે વિરોધ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નેતાઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.