વસો તાલુકામાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે ખેડૂતોનો ઝોક વધી રહ્યો છે. તાલુકાના 12 ગામોમાં તાજેતરમાં પ્રાકૃતિક કૃષિ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્રમોમાં 8 કોમોડિટી રિસોર્સ પર્સન અને 8 કૃષિ સખીઓએ માર્ગદર્શન આપ્યું હતું.
‘આત્મા’ પ્રોજેક્ટના બ્લોક ટેક્નોલોજી મેનેજર વિપુલ પ્રજાપતિના જણાવ્યા મુજબ, દેશી ગાય આધારિત છાણીયા ખાતરથી ખેતી કરવાથી વધુ સારી ગુણવત્તાયુક્ત ઉપજ મળે છે.
સરકાર વધુને વધુ ખેડૂતો અને પશુપાલકોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા પ્રયત્નશીલ છે.

કાર્યક્રમમાં નિષ્ણાતોએ પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતો, જમીન તંદુરસ્તી, ઓર્ગેનિક કાર્બન, ક્રોપિંગ સિસ્ટમ અને એગ્રો ફોરેસ્ટ્રી અંગે માહિતી આપી હતી. બીજ, બિયારણ, પાક ઉત્પાદન અને રોગ-જીવાત વ્યવસ્થાપન વિશે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

વસો તાલુકામાં હાલમાં 929 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે છે. તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોના પરિણામે 200થી વધુ ખેડૂતો અને પશુપાલકો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
રામપુર, કલોલી, મલીયાતજ, લેવાલ, બામરોલી, મિત્રાલ, ઝારોલ, સિહોલડી, થલેડી, નવાગામ, રૂણ અને ખાધલી ગામોમાં આ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.

