સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટીના 450 ઘરના 2000થી વધુ રહીશોને પ્રાથમિક સુવિધા ક્યારે આપશો તેવા પ્રશ્નો સાથે પાણી, રસ્તા અને ગટર ઓવરફ્લોની સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવા સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના કમિશનરને ઉગ્ર રજૂઆત કરાઈ હતી.
ઉપરાંત જો ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી અપાઈ હતી.
સુરેન્દ્રનગરના વઢવાણની સુડવેલ સોસાયટી જે કોઠારીયા રોડ પર આવેલી છે તેના રહીશોએ મનપા કમિશનરને લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે સુડવેલ સોસાયટીમાં આશરે 450થી 500 મકાન આવેલા છે.
આજુબાજુ નવા રહેણાંકના મકાનોનું બાંધકામ ચાલુ છે.
દિવસે-દિવસે અમારી સુડવેલ સોસાયટની વસ્તીમાં વધારો થતો જાય છે પરંતુ અમારા રહેણાંક વિસ્તારમા જીવનજરૂરી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.
જેમાં સોસાયટીના મુખ્ય રસ્તાઓ દયનીય પરસ્થિતિમાં છે અને ગટરોનું પાણી ઓવરફ્લો થઈ આ રસ્તામાં પાણી ભરાઈ રહે છે.