Gujarat

નડિયાદની સી.બી.પટેલ આર્ટસ કોલેજના 55થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના બિનઉપયોગી ગરમ વસ્ત્રોને એકઠા કરી જરૂરિયાતમંદોને આપ્યા

‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાયી જાણે રે…’ આ ઉક્તિને સાચા અર્થમાં નડિયાદની કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોએ સાર્થક કરી છે. ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજના અંદાજે 55થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના ઘરે બિનઉપયોગી ગરમ વસ્ત્રોને એકઠા કરી સ્વચ્છ કરી જરૂરિયાતમંદોને આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

નડિયાદમાં આવેલ સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના NSS યુનિટ દ્વારા માનવતા ભરી કામગીરી કરવામાં આવી છે. જેમાં કડકડતી ઠંડીમાં શહેરના જાહેર સ્થળો પર રાતવાસો કરતા નિરાધાર લોકોને વિનામૂલ્યે ‘ગરમ વસ્ત્રો’નું વિતરણ કરવામાં આવ્યું હતુ. કોલેજના આચાર્ય પ્રો.ડો.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ નડિયાદ શહેરના જાહેર માર્ગ કે અન્ય ખુલ્લી જગ્યા પર શિયાળાની કડકડતી ઠંડીમાં રાતવાસો કરતા લોકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તે હતો.

આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓએ પોતાના ઘરે બિન ઉપયોગી સ્વેટર, જેકેટ, ધાબળા, મફલર ટોપી વિગેરે ગરમ કપડાને એકઠા કરાયા હતા અને એ બાદ સ્વચ્છ કરી આ તમામ ગરમ કપડાને જરૂરિયાતમંદોને આપવામાં આવ્યા છે. કોલેજના 55થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના ઘરે બિનઉપયોગી ગરમ વસ્ત્રોનુ દાન કર્યું છે.

આ ઉપરાંત NSS યુનિટે બ્લેંકેન્ટની પણ ખરીદી કરી આ તમામ ગરમ કપડા નડિયાદ શહેરના રેલ્વે સ્ટેશન, બસ-સ્ટોપ, સંતરામ મંદિર, મહાગુજરાત સર્કલ, વાણીયાવાડ સર્કલ, મોટી શાક માર્કેટ, વગેરે વિસ્તારમાં રાત્રિ દરમ્યાન ખુલ્લી જગ્યા પર રાતવાસો કરી રહેલા લોકોને ઠંડીથી રક્ષણ મેળવવા માટે સ્વેટર, કંબલ, શાલ, ટોપી, બ્લેંકેન્ટ, વગેરેનું વિત્તરણ કરવામાં આવ્યું હતું. ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ ના સૂત્રને સાકાર કરતા આ વિદ્યાર્થીઓ સાથે આચાર્ય અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.પ્રકાશભાઇ વિછીયા સાથે સ્વયંસેવક ઋષિ જોષી, વિપુલ પરમાર, નિલ પારેખ, કરન પરમાર, મોહિત મારવાડી, તૌસિફ પઠાણ, પર્વ જોષી, સુનિલ તળપદા, ચિરાગ પરમાર તથા ભૂતપૂર્વ NSS સ્વયંસેવક શ્રેયાંશ વણઝારા વગેરે પણ રાત્રીના વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા.