હિંમતનગરના ગાંભોઈ-ભિલોડા રોડ પર આવેલી હેલીફેક્સ ગ્રીનટેક નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં મોટી આગ લાગી હતી. સોમવારે રાત્રે બે વાગ્યાની આસપાસ ફેક્ટરીના બહારના ભાગમાં અચાનક આગ લાગી હતી.

ફેક્ટરીના બહારના ભાગમાં કાચો માલ અને પ્લાસ્ટિક હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગાંભોઈ પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હિંમતનગર ફાયર વિભાગની બે ટીમ એક મિની અને એક બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર વિભાગની ટીમોએ મંગળવારે સવાર સુધી ચાર કલાકથી વધુ સમય સુધી કામગીરી કરી હતી. આ દરમિયાન 30 હજાર લીટરથી વધુ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.