નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પરદેશ જવા ઈચ્છુક દંપતીએ નાણાં ગુમાવ્યા છે. વિઝાનું કામ કરતા બે સગા ભાઈઓએ રૂપિયા 25 લાખ લીધા બાદ પણ વિઝાનું કામ નહીં કરી આપતાં આ સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો છે. જોકે, આ લીધેલા રૂપિયા પરત નહીં આપતા સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નડિયાદના દંપતીને ચાર વર્ષીય દીકરી સાથે કેનેડાના ઓન્ટારિયો જવું હતું. જોકે, વિઝાના નામે કન્સલ્ટન્ટ બંધુઓએ છેતરપિંડી આચરી હતી.
નડિયાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં મિશન રોડ પર આવેલી મિલાપનગરીમાં વૈભવી આનંદ ઠાકોર રહે છે. તેણીને અને તેણીના પતિ આનંદ એમ બંને કેનેડા જવા ઈચ્છતા હોય, સારા વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતા વ્યક્તિની તલાશમાં હતા. દરમિયાન તેઓ શહેરના પીપલગ રોડ પર આવેલી બ્લ્યુસ્ટોન ઓવરસીસ પ્રા.લી. નામે કામ કરતા વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતા અભી સુનીલ પટેલ અને તેમના સગાભાઇ યશના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં આ વૈભવી અને તેમના પતિએ જણાવ્યું હતું કે, અમારે નાની ચાર વર્ષની દીકરી છે, તેને સાથે લઈ કેનેડા (ઓન્ટારિયો) એકીસાથે ત્રણેયના વિઝા મળે એવી પ્રોસેસ કરવાની છે. જેથી વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતા બે લોકોએ 30 લાખ થશે તેવું જણાવ્યું હતું અને જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને કામકાજ શરુ કરી દીધું હતું.
બીજી તરફ વૈભવી અને તેમના પતિએ ટુકડે ટુકડે બે વખત 7 લાખ અને પછી 11 લાખ એમ કુલ 25 લાખ રૂપિયા આપી દીધા હતા. પરંતુ આ વિઝાનું કામ કરતા બે વ્યક્તિઓએ પલટી મારી અને કહ્યું કે, તમારે કેનેડાના (આલ્બર્ટ)માં જવાનું થશે. જોકે, આર્થિક નુકસાની ન વેઠવી પડે એટલે વૈભવીબેને અને તેમના પતિએ હા પાડી હતી. બાદમાં આ વિઝાનું કામ કરતા ઈસમોએ કહ્યું હતું કે, તમારે પહેલું જવાનું થશે અને બાદમાં તમારા પતિ અને દીકરીને, જોકે, પહેલાથી જ ત્રણેયને એક સાથે જવાની શરત મૂકી હોય તેમ છતાં વિઝાનું કામ કરતા ઈસમે આમ કર્યુ હતું.
બાદમાં અજાણ્યા નંબર પરથી આ ઈસમોએ ઓફર લેટર મોકલી આપ્યો હતો. જે તપાસતાં ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. તેમાં વૈબવીબેનની પણ ખોટી સહી હતી. જેથી છેતરપિંડીનો અહેસાસ થતાં તેમણે આગળ કામ કરવાની ના પાડી દીધી હતી અને લીધેલા રૂપિયા પરત આપવા જણાવ્યું હતું. પરંતુ વાયદાઓ અને આજદિન સુધી રૂપિયા પરત ન આપતા આ મામલે વૈભવીબેને ઉપરોક્ત વિઝાનું કામ કરતા અભી સુનીલ પટેલ અને તેમના સગાભાઇ યશ અને અજાણ્યા નંબર ધારક સામે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.