નડિયાદ નગરના 159મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત આજે શહેરમાં અનેક લોકોપયોગી સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો. મહાનગરપાલિકા અને ડૉ. એન.ડી. દેસાઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું.
ખેડા જિલ્લાના પદાધિકારીઓએ કેમ્પની મુલાકાત લઈ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા. મ્યુનિસિપલ કમિશનર જી.એચ. સોલંકી સહિત મનપાના સ્ટાફ અને જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું.

મહાનગરપાલિકાએ પશ્ચિમ ઝોન માટે નવી ઝોનલ કચેરીની શરૂઆત કરી હતી. આ કચેરીથી પશ્ચિમ વિસ્તારના નાગરિકોને નજીકમાં જ સેવાઓ મળશે. નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે આ વિસ્તારમાં મોટું ફાયર બ્રિગેડ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે.

નાગરિકોની ફરિયાદો માટે Citizen Grievance Redressal System (NMC-CGRS) નંબર 72028-77707 શરૂ કરાયો છે. નાગરિકો હવે WhatsApp દ્વારા ઘરે બેઠા ફરિયાદ નોંધાવી શકશે. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે નડિયાદવાસીઓને શુભેચ્છાઓ પાઠવી શહેરને સુંદર બનાવવા અપીલ કરી હતી.

16 મે, 1866ના રોજ નડિયાદ મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ હતી. કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કલેકટર અમિત પ્રકાશ યાદવ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા. તમામે ફાયર બ્રિગેડના સ્ટાફ અને તાલીમાર્થીઓ સાથે ફોટો પડાવ્યા હતા.







