Gujarat

અબડાસામાં રાત્રે દરોડો, ગેરકાયદે બેન્ટોનાઇટ ખનન કરતા 2 એક્સકેવેટર અને 4 ટ્રક જપ્ત

કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખાણ-ખનિજ વિભાગે મધ્યરાત્રિએ અબડાસા તાલુકાના ખીરસરા ગામમાં મોટી કાર્યવાહી કરી હતી. મદદનીશ નિયામક (ફ્લાઈંગ સ્ક્વોડ) ભુજ અને ભૂસ્તરશાસ્ત્રી પશ્ચિમ વિભાગની સંયુક્ત ટીમે આકસ્મિક તપાસ દરમિયાન બેન્ટોનાઇટ ખનિજનું ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું હતું.

તપાસ દરમિયાન ટીમે બે એક્સકેવેટર મશીન અને ગેરકાયદે બેન્ટોનાઇટ ખનિજનું પરિવહન કરવા આવેલી 4 ટ્રક જપ્ત કરી છે. પકડાયેલા વાહનોમાંથી એક ટ્રકમાંથી આશરે 25 મેટ્રિક ટન બેન્ટોનાઇટ ખનિજ મળી આવ્યું હતું. તમામ વાહનોને સીઝ કરીને કોઠારા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરાઈ છે.

વિભાગીય અધિકારીઓએ સવાળવાલા વિસ્તારમાં બેન્ટોનાઇટ ખનિજના ગેરકાયદે ખનનથી થયેલા ખાડાની માપણી પણ હાથ ધરી છે. આ દરોડાની કાર્યવાહીથી વિસ્તારમાં ખનિજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. વિભાગ દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.