નડિયાદ મહાનગરપાલિકા જાહેર કરાયા બાદ તે માટેની પ્રક્રિયા હાથધરી દેવામાં આવી છે. જે માટે આસપાસના 10 જેટલા ગામો સમાવેશ થનાર છે ત્યાં ગામના સર્વે કરવા અધિકારીઓ પહોંચ્યા છે. ગ્રામ પંચાયતની કાગળ અને જમીની હકીકતોની ચકાસણી કરી રીપોર્ટ તૈયાર કરાયો છે. જે રીપોર્ટ ડે. મ્યુનિસિપલ કમિશ્નરને સુપ્રત પણ કરાયો છે.
નડિયાદ મહાનગરપાલિકાના જુદા-જુદા વિભાગો અને એન્જીનિયર વિભાગના ઈજનેરો સહિતના 10 જવાબદાર સરકારી કર્મીઓને કામગીરી સોંપવામાં આવી હતી. મહાનગરપાલિકાનો સત્તાવાર દરજ્જો મળ્યો છે, ત્યારે આ નડિયાદ મનપામાં યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમળા, મંજીપુરા, ડભાણ, બિલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગામનો સમાવેશ કરાયો હતો. આજે ઈન્ચાર્જ ડે. કમિશ્નર રૂદ્રેશ હુદળ અને વહીવટદાર અમિત પ્રકાશ યાદવની સૂચના બાદ 10 અધિકારીઓને જુદા-જુદા ગામોમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં મહાનગરપાલિકાને જે-તે નવા જોડાયેલા ગામોની પંચાયત દ્વારા પંચાયતની સ્થિતિ દર્શાવતા દસ્તાવેજો આપ્યા હતા, તે તમામ દસ્તાવેજો મુજબ સ્થળ પરની સાચી પરીસ્થિતિનો તાગ મેળવવા માટે મોકલાયા હતા.
જેમાં તમામ ગામોનો સર્વે કરી મોડી સાંજે અધિકારીઓ-ઈજનેરો પોતાની ટીમ સાથે પરત આવ્યા હતા અને ડે. મ્યુનિસિપલ કમિશ્નરને રીપોર્ટ સુપ્રત કર્યો હતો. આ તપાસ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા પોતાની માલિકી હેઠળ કેટલા વાહનો છે, અન્ય કઈ કઈ સુવિધાઓ છે, કમ્પ્યુટર કેટલા છે? સહિતની માહિતીની ચકાસણી કરી હતી. જેથી હવે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામો અંગે ચોક્કસ રીપોર્ટ તૈયાર કરવામાં આવનાર છે. જે બાદ નડિયાદ મહાનગરપાલિકા માટેની જરૂરીયાતો અને તમામ મહત્વની બાબતો અંગે રીપોર્ટ તૈયાર કરવામાં આવનાર છે.
મહેકમ અને સંસાધનો મનપાની જરૂરીયાત હશે નડિયાદ નગરપાલિકા પાસે અંદાજે 150 જેટલા જ કાયમી કર્મચારીઓ છે. જ્યારે સંસાધનો પણ ખૂબ મર્યાદીત છે. સફાઈના વાહનો અને સાધનોથી માંડી અને અન્ય વિભાગોની જરૂરીયાતની સામગ્રી તેમજ તમામ વિભાગોમાં કાર્યક્ષમ કર્મચારીઓની ઘટ્ટ છે. ત્યારે મનપા જાહેર થઈ છે ત્યારે મહેકમ અને સંસાધનો એ પાયાની જરૂરીયાત બનશે. જેથી મનપામાં આગામી 1 વર્ષના સમયગાળા દરમિયાન નવી ભરતીઓ બહાર પડાય તેવી શક્યતાઓ છે.