Gujarat

ડાકોરમાં રથયાત્રાના 8 કિમીના રૂટ પર 55 ખાડા, કાદવમાંથી રથ કાઢવો કસોટી સમાન

ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડજી મહારાજ શનિવારના રોજ ભક્તોને ઘરે આંગણે પહોંચીને તેમને દર્શન કરી કૃતજ્ઞ કરશે.

ત્યારે આઠ કિલોમીટરની રથયાત્રામાં નક્કી કરવામાં આવેલાં રૂટ પર સફાઈ, ખાડા પુરવા તેમજ કાદવ કિચ્ચડનો નિકાલ પણ કરવામાં ન આવતાં વૈષ્ણવોમાં હાલમાં તંત્ર પરત્વે ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે રથયાત્રાના 8 કિમીના રૂટમાં 55 કરતાં પણ વધારે ખાડા છે. જો, રથયાત્રાના દિવસે પણ આજ સ્થિતી રહી તો ભક્તોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે.

ડાકોરમાં શનિવારે યોજાનારી રથયાત્રાને લઇ હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિર પ્રશાસન દ્વારા રથયાત્રા રૂટ જાહેર કર્યા બાદ કલેકટર દ્વારા રૂટની સાફ – સફાઈ, ખાડા પુરવા સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા સ્થાનિક તંત્રને તાકિદ કરાઈ હતી.

જોકે, રથયાત્રાને આડે માંડ એક દિવસ બાકી છે, ત્યારે ગુરુવારે સાંજ સુધી રથયાત્રાના રૂટ ઉપર ઠેરઠેર ગંદકી, ખાડા, પાણીના ખાબોચિયા અને કાદવ કિચ્ચડ જોવા મળી રહ્યો છે.

રથ જે વિસ્તારમાંથી પસાર થવાનો છે તે ડુંગરા ભાગોળ વિસ્તારમાં તૂટેલા ગટરના ઢાંકણા, ગટરના ગંદા પાણી માર્ગ પર ફરી વળેલાં જોવા મળી રહ્યા છે.

રાધાકુંડ માર્ગ ઉપર 10 થી વધુ ખાડા છે. બાદમાં રાધા કુંડથી મોખા તલાવડી સુધીના માર્ગ પર 5 ખાડા,જ્યારે મોખા તલાવડી પાસે જ 20 થી વધુ નાના મોટા ખાડા જોવા મળી રહ્યા છે. આ સાથે કાદવ કિચડ પણ રથયાત્રાના માર્ગ પર ઠેરઠેર જોવા મળે છે.

મોખા તલાવડીથી ગાયોનાવાડા સુધી એક પણ ખાડો જોવા મળી રહ્યો નથી. જે બાદ ગાયોના વાડાથી રણછોડપુરા જવાના માર્ગ સુધીમાં સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ નહેર પાસે 10 સેન્ટીમીટર જેટલો નીચો રોડ હોવાને લઈ આ માર્ગ ઉપર રથના પૈડા પછડાઈ શકે છે.

રણછોડપુરા ગામના મુખ્ય માર્ગ ઉપર કાંકરીઓની ભરમાર અને ખાડાઓ હોવાને લઈ ખુલ્લા પગે ફરતા ભક્તોને કાંકરીઓ વાગવાની સંભાવના છે.

જોકે, રણછોડપુરા બાદ ડાકોર પંચમુખી હનુમાન પાસે હાલમાં નવો રોડ બનાવવામાં આવ્યો છે.

ત્યારે નવા પાર્કિંગ પાસે ગટર લાઇનનું કામકાજ કર્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા સરખું પુરાણ ન કરવામાં આવતા ખાડો પડી ગયો છે.

આ સાથે આ માર્ગ ઉપર પારાવાર ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે. ત્યારે હવે રથયાત્રાને આડે 24 કલાકનો સમય બાકી હોવાછતાં પણ 8 કિલોમીટરના રથયાત્રાના રૂટમાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં દાખવવામાં આવેલી બેદરકારીને કારણે વૈષ્ણવોમાં હાલમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

જેથી ભક્તોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.

સફાઇ કરવા સાથે ખાડા પૂરી દવાનો છંટકાવ કરાશે: સીઓ ગટરના તૂટેલા ઢાંકણાની મરામત, રથયાત્રા રૂટની સાફ સફાઈ અને માર્ગ ઉપર પડેલા ખાડાઓને પુરવાની કામગીરી હાથ ધરી છે.

આ સાથે રથયાત્રા રૂટ ઉપર દવા અને પાવડરનો છંટકાવ કરવામાં આવશે. > સંજય પટેલ, ચીફ ઓફિસર

આ વખતે પણ રણછોડજીની હાથી પર સવારી નહીં નીકળે ડાકોરની રથયાત્રામાં 2019 સુધી હાથી લાવવામાં આવતો હતો.

પરંતુ 2019 માં હાથી ગાંડો થયાની ઘટના બાદ મંદિર દ્વારા હાથી લાવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. દશેરા અને આમલકી અગિયારસના રોજ હાથી લાવવામાં આવ્યો હતો.

પરંતુ મંદિરના ટ્રસ્ટીઓ પોતાની જવાબદારીમાંથી છટકબારી શોધી અને આ વખતે રથયાત્રામાં હાથી ન લાવવાનો નિર્ણય લીધાનું જાણવા મળી રહ્યું છે.

જોકે, રાજાધિરાજ ભગવાન રણછોડરાયની સવારી ગજરાજ પર શોભે તેવી લાગણી વૈષ્ણવો વ્યક્ત કરી રહ્યા છે.