Gujarat

14 શિક્ષકોની જગ્યાએ માત્ર 6 શિક્ષક, એક શિક્ષક બે-બે વર્ગ સંભાળે છે

કચ્છના આડેસર ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગંભીર અછત સર્જાઈ છે.

કુમાર શાળામાં 14 શિક્ષકોની જરૂરિયાત સામે માત્ર 6 શિક્ષકો જ ફરજ બજાવી રહ્યા છે. ધોરણ 6થી 8માં છ વર્ગો માટે માત્ર બે શિક્ષકો જ છે.

કન્યા શાળાની સ્થિતি પણ કંઈ જુદી નથી. અહીં મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી છે અને આઠ શિક્ષકો છે. દરેક શિક્ષકને બે-બે વર્ગના વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આડેસર કુમાર ગ્રુપ શાળા હેઠળ આસપાસની 14 પેટા શાળાઓનું સંચાલન પણ થાય છે. બંને શાળાઓમાં મળીને કુલ 15 શિક્ષકોની જરૂરિયાત છે.

આ સ્થિતિને લઈને ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આ માગણી પૂરી નહીં થાય તો આક્રમક આંદોલન કરવામાં આવશે.

બે દિવસ પહેલા ગ્રુપ શાળાના આચાર્ય મારારદાન ગઢવીએ વાલી મીટિંગનું આયોજન કર્યું હતું.

વાલીઓ સાથે વિસ્તૃત ચર્ચા દરમિયાન શિક્ષકોની અછતનો મુદ્દો ઉઠ્યો હતો.

એક શિક્ષક પાસે બેથી ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી હોવાથી શિક્ષણની ગુણવત્તા પર અસર થઈ રહી છે.

ગ્રામજનોની માગ છે કે સંબંધિત તંત્ર આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવે.