Gujarat

બિહારની ટીમ વતી રમતા તનીશે રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરમાં 5મો ક્રમ મેળવ્યો

સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલી ઓલ એજ ગ્રુપ નેશનલ જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપ 2024-25માં અંબાજીના યુવા જિમ્નાસ્ટ તનીશ જોષીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. 25 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી ચાલેલી આ સ્પર્ધામાં દેશભરની 30થી વધુ ટીમએ ભાગ લીધો હતો.

અંબાજીના રાજેન્દ્રનગર વિસ્તારના રહેવાસી કમલેશ જોષીના પુત્ર તનીશે બિહારની ટીમ વતી 2 જાન્યુઆરીએ વોલ્ટિંગ ટેબલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. તનીશ સહિત કુલ 6 ખેલાડીની ટીમે શાનદાર પ્રદર્શન કરીને સમગ્ર દેશમાં 5મો ક્રમ હાંસલ કર્યો હતો.

તનીશ જોષી છેલ્લા કેટલાક સમયથી ગુજરાત બહાર જિમ્નેસ્ટિક્સની તાલીમ લઈ રહ્યા છે. તેમણે આગ્રા સહિત દેશના વિવિધ રાજ્યોમાં પ્રેક્ટિસ અને સ્પર્ધાઓમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને અનેક એવોર્ડ્સ જીતીને અંબાજી અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં અર્જુન એવોર્ડ વિજેતા આશિષ સિંહ અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. કોચ લલિત સર અને તનીશના પિતા કમલેશ જોષી પણ સુરત ખાતે ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.