Gujarat

તૂટેલા પાળાના રિપેરિંગ માટે અર્ધનગ્ન થઇ વિરોધ નોંધાવ્યો, 10 દિવસમાં નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી

ઘેડ પંથકમાં દર વર્ષે ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે નદીઓમાં પૂર આવે છે, જેના કારણે ઘેડ વિસ્તારની નદીઓ ગાડીતૂર બને છે અને ખેડૂતોના ખેતર નજીક બનાવેલા પાળા તૂટે છે. જેના કારણે ખેડ વિસ્તારના ખેડૂતોની હજારો વીઘા જમીનનું ધોવાણ થાય છે. ગયા ચોમાસામાં તૂટેલા પાળા એક વર્ષ વીતી ગયા છતાં પણ તૂટેલી હાલતમાં જ રાખવામાં આવ્યા છે.

ત્યારે આજે ઘેડ વિસ્તારના ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે અને તંત્ર દ્વારા એક વર્ષ વિતવા છતાં પણ આ તૂટેલા પાળા રીપેર ન કરાતા હોવાના આક્ષેપો કર્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે જ્યારે આ વિસ્તારમાં પાણી આવે છે ત્યારે મંત્રીઓ અને તંત્ર ફિલોસોફી કરવા પહોંચે છે, પરંતુ આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવતું નથી.

ત્યારે આવતા દસ દિવસમાં આ મામલે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઘેડ પંથકના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે ગાંધીજી માર્ગે આંદોલન પર ઉતરશે તેવી ચીમકી ઊંચારી છે.

બામણાસા ગામના રહીશ જગદીશ નંદાણીયાએ જણાવ્યું હતું કે, બામણાસા ઘેડમાં ઓજત કાંઠા વિસ્તારમાં મારું ખેતર આવેલું છે અને મારી આસપાસના જે ખેતરો આવેલા તે ખેડૂતો પણ ઓજતકાંઠા વિસ્તારના ખેડૂતો છે.

જ્યારે ચોમાસાની સિઝન દરમિયાન દર વર્ષે વધુ વરસાદ પડવાના કારણે ઉપરવાસમાંથી ઓજત નદીમાં પાણી આવે છે અને ઘેડના અનેક વિસ્તારો જળબંબાકાર બને છે. ત્યારે આ પાણીના કારણે આ વિસ્તારના ખેતર નજીક આવેલ પાળો તૂટે છે.

જગદીશ નંદાણીયાએ વધુમાં કહ્યું કે, તંત્રના પાપે આ ખેડૂતોને પડતી હાલાકી કોઈ જોવા આવતું નથી અને જો ક્યારેક આવે છે તો માત્ર જોઈ અને તંત્ર ચાલ્યું જાય છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે નદીઓ ઊંડી અને પહોળી કરવામાં આવશે પરંતુ તે કામગીરી થશે ત્યારે થશે પરંતુ હાલના સમયમાં હજારો વીઘા જમીન ધોવાઈ જાય તેવી શક્યતાઓ છે. ત્યારે વહેલી તકે આ પાળો બંધાઈ તો ખેડૂતોની હજારો વીઘા જમીન ધોવાણમાંથી બચાવી શકાય તેમ છે.

ખેડૂત કરસન સોલંકીએ જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા હજારો ખેડૂતોની હજારો વીઘા જમીન નું ધોવાણ થાય છે અને ખેડૂત પોતાના ખેતરમાં પાક પણ લઈ શકતો નથી. પાળા બાબતે જ્યારે અધિકારીઓને મળવા માટે ઓફિસોમાં ટકા ખાવા પડે છે અને અધિકારીઓ દ્વારા લોલીપોપ આપી કહેવામાં આવે છે .

આ બાબતે જોઈ લઈશું. પરંતુ છેલ્લા એક વર્ષથી તંત્ર દ્વારા ખેડૂતોની મુશ્કેલીને લઈ કોઈ તંત્ર દ્વારા મુલાકાત લેવામાં આવી નથી. જ્યારે વરસાદના કારણે પાણી આ વિસ્તારમાં ફરી વળે છે અને નદીઓના પાણી પાળા તોડે છે ત્યારે માત્ર ફિલોસોફી કરવા મંત્રીઓ આ વિસ્તારમાં આવે છે.

રસન સોલંકીએ વધુમાં કહ્યું કે, આ વિસ્તારના સાંસદ મનસુખ માંડવીયા જ્યારે આ વિસ્તારમાં આવ્યા ત્યારે એક સપ્તાહમાં તેમણે ખેડૂતોને ખેડૂતોના પ્રશ્ન બાબતે ગેરંટી આપી હતી. પરંતુ આજે ખેડૂતોએ પોતાની જમીન બચાવવા અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરવો પડે તે શરમ જનક બાબત છે. કારણ કે આંધળી, બહેરી અને મૂંગી તંત્રની નીતિથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

ત્યારે વહેલી તકે 10 દિવસમાં આ પાળાનું સમારકામ થાય અને બામણાસા ઘેડ વિસ્તારના તમામ પાડાઓ ફરી બંધાય તો ખેડૂતો બચી શકે તેમ છે અને જો આ બાબતે વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે તમામ ખેડૂતો ગાંધીજીઆ માર્ગે આંદોલન કરશે.