ઉત્તરાયણ નિમિત્તે કરૂણા અભિયાનની ઉજવણી અંતર્ગત જન જાગૃતિ વધે તેમજ જન સતર્કતાના ભાગરૂપે વન વિભાગ દ્વારા જિલ્લામાં માતર, કઠલાલ, ઠાસરા અને નડિયાદ જેવા વિવિધ વિસ્તારોમાં 7મી જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન નુક્કડ નાટક તથા શાળા-કોલેજમાં વિવિધ નાટક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કરુણા અભિયાનની પુર્વ તૈયારીના ભાગ રૂપે પશુપાલન વિભાગ સાથે મળીને પશુ દવાખાનાઓમાં વિસ્તારોમાં 10મી જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કામગીરી માટે પશુ ચિકિત્સક અધિકારી, પશુધન નિરીક્ષકો, વેટેનરી પોલી ક્લિનિક, એમ્બ્યુલન્સ વાન, મોબાઇલ વાનની તૈયારી સુનિશ્ચિત કરવામાં આવી છે. નડિયાદ વિભાગની તમામ રેન્જમાં કુલ 8 કન્ટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યાં છે.
વન વિભાગના સ્થાનિક સ્ટાફ દ્વારા ચાઇનીઝ દોરી અને ટુક્કલ(સ્કાય લેન્ટર્ન)નું વેચાણ કે ઉપયોગ થતો હોય તે વિશે સ્થાનિક બજારોમાં ચકાસણી કરવામાં આવશે અને પોલીસ વિભાગ સાથે સંકલન કરી પ્રતિબંધિત દોરીનો ઉપયોગ ના થાય તે અંગે સાવચેતીના પગલા લેવાની કામગીરી કરવામાં આવશે. વધુમાં શિક્ષણ વિભાગ સાથે મળીને શાળાઓની મુલાકાત લઈ બાળકોમાં કરુણા અભિયાન વિશે જાગૃતતા ફેલાય તે માટેના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

