Gujarat

ભુજમાં 7000થી વધુ સાપનું રેસ્ક્યૂ કરનાર રિઝવાનને કોબ્રાએ ડંખ માર્યો, હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભુજના આશાપુરા નગરના 34 વર્ષીય રિઝવાન મેમણને સાપ રેસ્ક્યૂ દરમિયાન કોબ્રાએ ડંખ માર્યો છે. રિઝવાન છેલ્લા 11 વર્ષથી વિનામૂલ્યે સાપ રેસ્ક્યૂની સેવા આપે છે. તેમણે અત્યાર સુધીમાં 7000થી 8000 જેટલા સાપનું રેસ્ક્યુ કર્યું છે.

ગઈકાલે ભુજની ડોલર હોટલ પાછળ એક ફોરવ્હીલ ગાડીની ચેસિસમાં ફસાયેલા કોબ્રાને બચાવવા માટે રિઝવાનને બોલાવવામાં આવ્યા હતા.

સાપને સફળતાપૂર્વક બહાર કાઢ્યા બાદ, ડબ્બામાં મૂકતી વખતે કોબ્રાએ તેમના હાથ પર ડંખ માર્યો હતો.

તાત્કાલિક રિઝવાનને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તબિયત સ્થિર છે.

રિઝવાને જણાવ્યું કે, 11 વર્ષના તેમના રેસ્ક્યૂ કાર્ય દરમિયાન આ પહેલી વખત કોઈ સાપે તેમને ડંખ માર્યો છે.

રિઝવાન ઝેરી અને બિનઝેરી સાપ ઓળખવામાં નિપુણ છે.

તેઓ સગા-સંબંધી, મિત્રો કે અપરિચિત વ્યક્તિઓના કોલ પર તરત જ પહોંચી જાય છે અને સાપને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી આવે છે.

સાપ કરડવાના સમાચારથી તેમના પરિવાર અને મિત્રવર્તુળમાં ચિંતા ફેલાઈ હતી, પરંતુ સમયસર સારવાર મળી જતાં તેમનો જીવ બચી ગયો છે.