જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સતાધાર મઠના વિવાદ મામલે હવે આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ આજે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જૂનાગઢ આઈજી, કલેક્ટર અને વિસાવદર પોલીસ પાસે સતાધારના મહંત વિજય બાપુ અને ગીતાબેનની સુરક્ષા માટે કમાન્ડો ફાળવવાની માંગ કરી છે. નરેન્દ્ર બાપુએ કમાન્ડોના પગારની જવાબદારી પણ પોતાના શિરે લેવાનું જણાવ્યું છે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે વિજય બાપુના ભાઈ નીતિન ચાવડાએ તેમના પર ભ્રષ્ટાચાર અને વ્યભિચારના ગંભીર આરોપો મૂક્યા હતા. થોડા દિવસો પહેલા, નરેન્દ્ર બાપુએ સતાધાર ટ્રસ્ટમાં પોતાના નામનો સમાવેશ કરવા અને યોગ્ય વહીવટ માટે માગણી કરી હતી. બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પોલીસે નરેન્દ્ર બાપુને બોલાવ્યા હતા. આ મુદ્દે આજે નરેન્દ્ર બાપુએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી.
ચોટીલા આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ જણાવ્યું હતું કે, હું ગઈકાલે વિસાવદર મારી વાડીએ જવાનો હતો તે પહેલા હું પોલીસ સ્ટેશને ગયો હતો. ત્યારે કોઈ વ્યક્તિ દ્વારા મારો પીછો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે, નરેન્દ્ર બાપુને વિસાવદર પોલીસનું તેડું આવ્યું છે. હાલમાં જે મુદ્દો ચાલી રહ્યો છે અને જે જે નિવેદોનો મીડિયામાં ચાલી રહ્યા છે તેને લઈ જો પોલીસ જવાબ લેવા બોલાવે તો જવું પડે, પરંતુ હું ગઈકાલે હું પોલીસને એક પત્ર આપવા ગયો હતો અને જુનાગઢ એસપી, રેન્જ આઇજી અને કલેકટરને પણ આ જ પત્ર આપ્યો છે.
વધુમાં જણાવ્યું કે, જે પત્રમાં અમે વિજય બાપુ અને ગીતાબેનને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગ કરી છે. હાલમાં જે સતાધારમાં સિક્યુરિટી ગોઠવવામાં આવી છે તેનો અંદાજિત ખર્ચ બે થી અઢી લાખ દર મહિને છે. હું અઠવાડિયામાં એક બે વખત સતાધાર જવ છું. વિજય ભગતની મોડસ ઓપરેન્ડી મને ખબર છે. વિજય બાપુને કોઈ બીજી તકલીફ ન હોય તો સરકાર દ્વારા વિજય ભગત અને ગીતાબેન ને 24 કલાક કમાન્ડો આપવામાં આવે. એમના વતી હું સરકારમાં રજૂઆત કરીશ. આ કમાન્ડોનો સંપૂર્ણ ખર્ચો હું આપીશ. હું થોડા દિવસ પહેલા જ્યારે સતાધાર ગયો ત્યારે વિજય ભગત મને પગે લાગવા મંડ્યા હતા અને કહ્યું હતું કે, તમે મારા વડેરાભાઈ છો. તમે નીતિન ચાવડા અને વસંત ચાવડાને સમજાવો. ત્યારે મેં કહ્યું કે, બાપુ શું આ બધાને એવું કહું કે સતાધારમાં જે કંઈ થઈ રહ્યું છે તે કરવા દો ? કારણ કે વિજય ભગત પર વ્યભિચારના આક્ષેપો કરવામાં આવ્યાં છે. આજે જ મને એક વ્યક્તિએ કહ્યું કે, ગીતાબેન વિજય ભગતના રૂમમાંથી બહાર આવ્યાં, તો શું એટલું કાફી નથી કે ગીતાબેન તમારા રૂમમાંથી બહાર આવ્યા એ ?
શું છે સમગ્ર મામલો?
સતાધારના મહંત વિજયબાપુ પર તેના જ સગા મોટાભાઈ નીતિન ચાવડા દ્વારા વ્યભિચાર અને ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. નીતિન ચાવડાએ સતાધારના મહંત વિજયબાપુને ગીતા નામની મહિલા સાથે પ્રેમસંબંધ છે અને કરોડો રૂપિયાના સતાધારમાં ગોટાળા થતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.