પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈકના કારણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી તમામ ફ્લાઈટ બુધવારથી શુક્રવાર સુધી એટલે કે 7થી 9 મે સુઘી રદ કરવાનુ અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. આવતીકાલે શનિવારે પણ રાજકોટ- અમદાવાદ હાઇ-વે પર હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઉપડનારી તમામ 10 ફ્લાઇટ રદ કરવામા આવી છે. જેથી 3,200 મુસાફરોને હવે ટ્રેન, બસ અથવા તો કાર મારફત જવું પડશે. હજુ કેટલા દિવસ એરપોર્ટ બંધ રહેશે તે નક્કી નથી.
ફ્લાઈટ રદ થતાં 3200થી વધુ મુસાફરો હેરાનગતિમાં મુકાયા ઇન્ડિગો અને એર ઇન્ડિયાની તમામ ફ્લાઈટ હાલ રદ છે, જેને લીધે દરરોજ રાજકોટ એરપોર્ટ પર આવતા 1500 તો અહીંથી હવાઈ ઉડાન ભરી જતા 1700 મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે એટલે કે 3200થી વધુ મુસાફરો હેરાનગતિમાં મુકાયા છે.
આવતીકાલથી એરપોર્ટ ધમધમતું થઈ જશે તેવી હવાઈ મુસાફરોને આશા હતી પરંતુ, આજે જાહેર થયું છે કે શનિવારે પણ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ રહેશે.
શનિવારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી તમામ ફ્લાઈટ રદ શનિવારે રાજકોટથી ઇન્ડિગોની મુંબઈની 3, દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ અને ગોવાની 1-1 ફ્લાઇટ રદ રહેશે. જ્યારે એર ઇન્ડિયાની મુંબઈની 2 અને દિલ્હીની 1-1 ફ્લાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી છે.
રાજકોટના ઇન્ડિગો અને એર ઇન્ડિયાના મેનેજરના જણાવ્યા પ્રમાણે હાલ તો એક એક દિવસની ફ્લાઈટ કેન્સલ કરવામા આવી રહી છે. શનિવારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી તમામ ફ્લાઈટ રદ કરવામા આવેલી છે. રવિવારે ફ્લાઇટ ચાલુ થશે કે નહીં તે નક્કી નથી.