છોટા ઉદેપુર જિલ્લાનો સુખી ડેમ છલકાઈ ગયો છે. ડેમમાંથી 2131.20 ક્યુસેક્સ પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે, જેના પગલે નદી કાંઠાના 18 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.
પાવીજેતપુર તાલુકામાં આવેલો સુખી ડેમ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. આ ડેમ દ્વારા લગભગ 20 હજાર હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી સુખી જળાશય યોજનાની કેનાલનું નવીનીકરણ ચાલી રહ્યું હોવાથી ડેમ છલકાઈ ગયો છે.
આજે સવારે 7 વાગ્યાની સ્થિતિએ, ડેમની મહત્તમ સપાટી 147.82 મીટર વટાવીને 147.84 મીટર પર પહોંચી હતી. ડેમમાં 2131.20 ક્યુસેક્સ પાણીની આવક સામે, ગેટ નંબર 5 ને 60 સેમી ખોલીને રાત્રિના 9 વાગ્યાથી ભારજ નદીમાં તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે.

