Gujarat

તાપમાનનો પારો 38.5 ડિગ્રી સુધી પહોંચ્યો, રસ્તાઓ સૂમસામ જોવા મળ્યાં

જામનગરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન તાપમાન 40થી 42 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે.

કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમના આંકડા મુજબ, લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ 77 ટકા છે. પવનની ગતি 15થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહી છે. દિવસ દરમિયાન બપોરના સમયે આકરો તાપ અનુભવાય છે. જોકે, સાંજે 6 વાગ્યા પછી વાતાવરણ ખુશનુમા બની જાય છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડક અનુભવાય છે.

દરિયાકાંઠાના વિસ્તાર હોવાને કારણે જામનગરમાં અન્ય શહેરોની સરખામણીમાં ભેજનું પ્રમાણ વધારે રહે છે. ઠંડા પવનનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. આ મિશ્ર ઋતુમાં તાવ, શરદી, ઉધરસ અને ગળાના રોગોમાં વધારો નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આકરા તાપમાનને કારણે જામનગરના રહેવાસીઓ અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.