અત્યંત ચકચારી એવા યુએસડીટી હવાલાકાંડમાં એસઓજીની ટીમે હજાર પાનાથી વધુની દળદાર ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યા બાદ સમગ્ર કાંડમાં રિકવરી માટે હવે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ટીમે પણ એન્ટ્રી કરી છે. હવાલાકાંડના આ કેસમાં આરોપીઓની નવી જ મોડસ ઓપેરેન્ડી સામે આવી છે, જેમાં હવાલાના રૂપિયા સ્મગલિંગમાં ટ્રાન્સફર કરીને ‘કૌભાંડ પર કમાણી’નો નવો ચીલો આરોપીઓએ ચાતર્યો છે.
રૂપિયા 125 કરોડથી વધુનું હવાાલાકાંડ કરવા માટે આરોપીઓએ ઘરના ઓટલાં પર શાકભાજીનો ધંધો બતાવ્યો હતો, ઉપરાંત ઘરમાં બુરખા અને લેડિઝ એસેસરિઝનો ધંધો બતાવ્યો હતો.
ત્યારબાદ બેન્ક એકાઉન્ટ ખોલી લોકો પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવી આ રૂપિયા યુએસટીડી વોલેટમાં ટ્રાન્સફર કરી, તેને રોકડા કર્યા બાદ કે કમિશનથી દર મહિને રૂપિયા બે કરોડની કમાણી કરી આ રૂપિયાનું ગોલ્ડ, ઘડિયાળ અને કિંમતી ચીજવસ્તુઓનું સ્મગલિંગ કર્યું હતં. ચાર્જશીટમાં પોલીસે 14 મુખ્ય આરોપીઓની ભૂમિકા પર પણ પ્રકાશ પાડયો છે.
એકસપર્ટ: મિલકતો જપ્તી શક્ય છે
એડવોકેટ નદીમ ઇસ્માઇલ ચૌધરી કહે છે કે આ કેસમાં પોલીસે જે કલમો લગાવી છે તેમાં આજીવન સજાની પણ જોગવાઆઈ છે. સી.એ. હિરેન અંભાગી કહે છે કે હવાલાના કેસોમાં ઇડીની એન્ટ્રી બાદ રિકવરી પર પણ ધ્યાન અપાઈ છે અને જરૂર પડે તો મિલકતોની પણ હરાજી કરવાની સત્તા ઇડી પાસે છે.
આ કેસમાં કુલ 21 આરોપીઓ છે
એસઓજી પીઆઇ સોનારા કહે છે કે મહત્વના પુરાવા એકત્રિત કરીને ચાર્જશીટ કરી દેવામાં આવી છે. 21 જેટલાં આરોપીઓ છે અને ભાગેડુ આરોપીઓની સંખ્યા સતત વધી રહી છે, હાલ 10થી વધુ છે. બે આરોપીઓના જામીન મંજૂર થયા છે જ્યારે બાકીના બાકીના આરોપીઓ હાલ જેલમાં છે. નોંધનીય છે કે બસ્સામ સહિતના દસ આરોપીઓ ભાગેડું છે.