Gujarat

બારડોલીમાં પાઇપલાઇનનું કામ પૂર્ણ છતાં રોડનું સમારકામ ન થતાં હાલાકી

બારડોલીના કડોદ રોડ પર પાણી પુરવઠા વિભાગ દ્વારા સુરત બલ્ક પાણી યોજના માટે પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. શિવાજી પ્રતિમથી રેલ્વે ફાટક સુધીની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં એક લેન બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવતા આજુબાજુના સોસાયટીના રહીશો પણ હેરાન થઈ ચૂક્યા છે.

ચોમાસા પૂર્વે શરૂ થયેલી ખોદકામની કામગીરી હજી પણ ચાલુ જ હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તો 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. એટલું જ નહીં મોટા અને ભારે વાહનોની પણ અવરજવર રહે છે, આ ઉપરાંત રેલ્વે ફાટક પણ આવેલી હોય વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા બીજા તબક્કામાં દિવાળી પછી શરૂ કરવામાં આવેલી કામગીરીને કારણે સમગ્ર માર્ગ પર આવેલ સોસાયટીના રહીશો અને દુકાનદારો માટે મુશ્કેલી ઊભી કરી છે. હાલમાં આ કામગીરી આરટીઓ નજીક ચાલી રહી છે.

જ્યારે શિવજી સર્કલથી રેલ્વે ફાટક સુધીની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. છતાં એક તરફનો માર્ગ હજી પણ ભારે વાહનો માટે બંધ છે. બંને તરફના વાહનો એક જ ટ્રેક પર ચાલતા હોય વારંવાર અકસ્માત સર્જાય રહ્યા છે.