Gujarat

કોંગ્રેસનો આરોપ – પાલિકાની નબળી કામગીરી, પાલિકાનો દાવો – તમામ વ્યવસ્થા સંપૂર્ણ

માંડવી શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા મુદ્દે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ અને પાલિકા વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે.

માંડવી તાલુકા કોંગ્રેસ અધ્યક્ષ અને ધારાશાસ્ત્રી ખેરાજ ગઢવીએ પાલિકાની પ્રી-મોનસૂન કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.

તેમના જણાવ્યા મુજબ, ઠાકર વાડીમાં નવનિર્મિત કેનાલ ઘસી પડી છે. બાબા વાડી વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સંભાવના છે.

આ મુદ્દે ગત સપ્તાહે સુધરાઈ કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

કોંગ્રેસના આરોપ મુજબ પાલિકા માત્ર ઊંચી ટકાવારી મેળવવા માટે કામગીરી કરી રહી છે. જે ભારે વરસાદ સમયે જળ હોનારત સર્જી શકે છે.

બીજી તરફ, પાલિકાના કારોબારી ચેરમેન વિશાલ ઠક્કરે આ આરોપોનું ખંડન કર્યું છે. તેમણે જણાવ્યું કે ઘસી પડેલી કેનાલનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે.

આ કામગીરી કરનાર ઠેકેદારને કોઈ ચુકવણી કરવામાં આવી નથી અને કરવામાં પણ નહીં આવે. વધુમાં, પાણી નિકાલ માટે બે નવી કેનાલ બનાવવામાં આવી છે અને તમામ નાળાઓની સફાઈ કરવામાં આવી છે.

ઠક્કરે સ્પષ્ટતા કરી કે ભારે વરસાદ દરમિયાન આઝાદ ચોક અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવું એ સામાન્ય બાબત છે. આ પાણી થોડા સમયમાં ઓસરી જાય છે.

દરમિયાન સ્થાનિકેથી પ્રાપ્ત માહિતી મુજબ પાલિકા દ્વારા કરાયેલા જળ નિકાલની કામગીરી જો અતિ ભારે વરસાદ પડ્યા બાદ બધું સમુ પાર ઉતરે તોજ સાર્થક કહી શકાય તેમ છે.

જોકે આ માટે પાલિકાએ વરસાદી પાણીના અટકાવ માટે કરેલા પ્રયાસોના ભાગરૂપે શહેરના રાજાશાહી વખતના ટોપનસર તળાવની આવને પણ બંધ કરી દેવામાં આવી છે.

જો તળાવ ઓવરફ્લો થાય તો તેના પાણી શહેરમાં ઘુસી આવવાની સંભાવના છે. બની શકે આ વર્ષે કદાચ છતે વરસાદ તળાવ બધાવવાનો મોકો સત્તાપક્ષ ગુમાવે.

અલબત્ત આ ચોમાસે મેઘમહેર ગત વર્ષની જેમ કહેરમાં ના ફેરવાય તેવી પ્રાર્થના શહેરીજનો દરિયાદેવને કરી રહ્યા છે.