Gujarat

અમીરગઢ પાસે બનાસનદીમાં ડૂબેલા સગીરનો મૃતદેહ મળ્યો

અમીરગઢ નજીક બનાસનદીમાં ડૂબી ગયેલા જૂનિરોહ ગામના સગીરનો મૃતદેહ 30 કલાકથી વધુની શોધખોળ બાદ મળી આવ્યો છે. સ્થાનિક તરવૈયાઓ અને SDRFની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સગીરના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો.

મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે જૂનિરોહ ગામના ત્રણ મિત્રો નવરાત્રિ જોઈને નદી કિનારે બેઠા હતા. તે દરમિયાન 17 વર્ષનો એક સગીરનો અચાનક પગ લપસી જતાં નદીના પાણીમાં પડી ગયો હતો. સગીર જ્યાં પડ્યો હતો ત્યાં ચેક ડેમ હોવાને કારણે પાણી ઊંડું હતું, જેના પરિણામે તે ડૂબી ગયો હતો.

મિત્રને ડૂબતો જોઈને અન્ય બે મિત્રોએ તાત્કાલિક ગામમાં જાણ કરી હતી. ગામલોકોએ રાત્રિના સમયે શોધખોળ શરૂ કરી હતી, પરંતુ સગીરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે, તંત્રને જાણ કરવામાં આવતા અમીરગઢ મામલતદાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમને બોલાવવામાં આવી હતી અને નદીના પાણીમાં મોટા પાયે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 30 કલાકથી વધુના સતત પ્રયાસો બાદ, SDRF અને સ્થાનિક તરવૈયાઓને આખરે સફળતા મળી હતી અને સગીરનો મૃતદેહ પાણીમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો.