ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં ગંભીર ભૂલ કરી છે. સમિતિએ 27મી ફેબ્રુઆરીએ કરવધારા વિનાનું બજેટ રજૂ કર્યું હતું. જીપીએમસી એક્ટ મુજબ, વેરાના દરોનું નિર્ધારણ 20 ફેબ્રુઆરી અથવા તે પહેલા કરવું જરૂરી છે. કમિશનર જે.એન.વાઘેલાએ 23 જાન્યુઆરીએ જ ડ્રાફ્ટ બજેટ રજૂ કરી દીધું હતું. જેમાં મિલકતવેરામાં આંશિક અને સફાઈવેરામાં બમણો વધારો સૂચવવામાં આવ્યો હતો.
સ્થાયી સમિતિએ કમિશનરના 1744 કરોડના ડ્રાફ્ટ અંદાજપત્રમાં 26.18 કરોડનો ઘટાડો કરી 1718 કરોડનું બજેટ રજૂ કર્યું છે. કમિશનરે મિલકતવેરા, સફાઈ વેરો અને સોલિડવેસ્ટ કલેક્શનના દરમાં વધારો કરીને નાગરિકો પર અંદાજે 13 કરોડનો કરબોજ સૂચવ્યો હતો.
સમિતિની આ ભૂલને કારણે હવે નાગરિકોએ એપ્રિલથી કમિશનરે સૂચવેલા નવા દર પ્રમાણે વેરો ચૂકવવો પડશે. કમિશનર પણ હવે પોતાના નિર્ણયમાંથી પાછી પાની નહીં કરી શકે, કારણ કે તેમણે વેરાના નવા દર ડ્રાફ્ટ બજેટમાં સૂચવી દીધા છે.
આ ગંભીર ભૂલ ગાંધીનગર સહિત રાજ્યની તમામ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે. સ્થાયી સમિતિ ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટની વ્યવસ્થામાં વ્યસ્ત રહી અને પોતાની મુખ્ય જવાબદારી ચૂકી ગઈ છે. વેરાની બાબતમાં નિર્ણય કરવામાં કારોબારી ગાઢ નિદ્રા રહી છે. અને નાગરિકો પર એકપણ પ્રકારનો કરબોજ નથી નાંખ્યો તે વાત પણ લોલીપોપ પુરવાર થઈ છે.
આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે, અમને બજેટનાં અભ્યાસ માટે ઓછો સમય મળ્યો હતો. જે નિર્ણય લેવાનો છે એ સામાન્ય સભા લેશે. બધા સાથે મળીને આ મુદ્દે નિર્ણય લેવાશે.