નડિયાદ પાલિકામાંથી મહાનગરપાલિકા બનતાની સાથે જ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી કાંસ પરની દુકાનોનો મુદ્દો તંત્રના ફેવરમાં આવ્યો છે. શહેરના સરદારની પ્રતિમા પાસે કાંસ પરની 46 દુકાનોના મામલે દુકાનદારો કોર્ટમાં ગયા હતા. જ્યાં દુકાનોદારોને નિરાસા મળી છે અને કોર્ટે પણ પાલિકા દ્વારા પાઠવેલી નોટીસને માન્ય રાખી છે જેથી દુકાનદારો ચિંતામાં ગરકાવ થયા છે. આવનાર સમયમાં આ દુકાનો તોડાય તો નવાઈ નહીં રહે.
તાજેતરમાં નડિયાદ પાલિકાને મહાનગરપાલિકા બનવવા માટે સૈધ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ કમિશ્નરની પણ નિમણૂંક કરી દેવાઈ હતી અને હાલ વહીવટદારનું શાસન લાદી દેવામાં આવ્યું છે. બીજી તરફ છેલ્લા લાંબા માસથી નડિયાદમાં સરદારની પ્રતિમા પાસે આવેલી કાંસ પરની 46 જેટલી દુકાનોનો મામલો હતો તેમાં પણ તંત્રના પક્ષમાં નિર્ણય આવ્યો છે.
કોર્ટે અગાઉ પાલિકા દ્વારા દુકાનદારોને પાઠવેલી નોટીસને માન્ય રાખી છે અને દુકાનો જર્જરિત હોવાથી ચાલુ કન્ડિશનમા રાખી શકાય નહીં’ તેવુ પણ ટાંક્યું છે. હવે તંત્ર આ દુકાનોને દુર કરવા આગામી સમયમાં પગલા લેશે તેવુ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

મુદ્દો શું હતો?
ગયા વર્ષે ચોમાસાની સિઝનમાં નડિયાદ શહેરમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મુખ્યકાસની સફાઈ ન થવાથી પાણી ભરાયા હતા. શહેરના સરદારની પ્રતિમા પાસેથી શહેરનો મુખ્ય કાંસ પસાર થાય છે. જોકે, આ કાંસ પર સરદાર ભુવન કોમ્પલેક્ષ આવેલ છે અને કાંસની સાફસફાઈ કરવા તંત્રએ નોટીસ આપી દુકાનો 15 દિવસ માટે કબ્જામાં લીધી હતી.
આ સમયે તંત્રને કોમ્પલેક્ષના સ્ટ્રકચર પર ધ્યાન જતા જર્જરિત હોવથી સ્ટેબીલીટી રીપોર્ટ તૈયાર કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો. બાદમાં તંત્રને આ કોમ્પલેક્ષ દુર કરવા આખરી નોટીસ આપી હતી. પરંતુ કોમ્પલેક્ષના સ્થાનિક દુકાનદારો કોર્ટમાં ગયા હતા જ્યાં કોર્ટે પાલિકાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે.

દુકાનો હટાવાયા બાદ 40 કરોડના ખર્ચે નવા કાંસની કામગીરી કરાશે: એડિશનલ કમિશ્નર
એડિશનલ કમિશ્નર રૂદ્રેશભાઈ હુદડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શહેરમાં ચોમાસાની સિઝનમાં પાણી ભરાયા હતા. જેનું મુખ્ય કારણ શહેરના મધ્યભાગમાંથી પસાર થતો આ મુખ્ય કાંસ છે. સરદારની પ્રતિમા પાસે આવેલ સરદાર ભુવન કોમ્પલેક્ષમા 46 જેટલી દુકાનો આવેલી છે અને સંપૂર્ણ કોમ્પલેક્ષ કાસ પર બંધાયેલું છે. અહીંયા નીચેથી કાંસ સફાઈ ન થતા આ પાણી ભરાયા હતા.
જે તે સમયે દુકાનોનો કબ્જો મેળવી સાફ કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેમાં સફળતા મળી નહોતી. તો બીજી તરફ અમને આ કોમ્પલેક્ષ જર્જરિત હોવાનુ ધ્યાને આવતા સ્ટેબેલીટી રિપોર્ટ તૈયાર કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો. બાદમાં આ દુકાનો દુર કરવા દરેક દુકાનદારોને નોટીસ આપવામાં આવી હતી. જોકે, દુકાનદારો કોર્ટમાં ગયા હતા જ્યાં કોર્ટે અમે દુકાનદારોને પાઠવેલી નોટીસને માન્ય રાખી છે, દુકાનો જર્જરિત હોવાથી ચાલુ કન્ડિશનમા રાખી શકાય નહીં’ તેવુ પણ ટાંક્યું છે.
આ દુકાનો હટાવાયા બાદ અંદાજે 40 કરોડના ખર્ચે નવા કાંસની કામગીરી પણ કરાશે અને રિનોવેટ પણ થશે લગભગ 10 કીમીના પથરાયેલા આ કાંસની વિશેષ કામગીરી કરાશે. મહાનગરપાલિકા બનતા આ કામ ઝડપી થશે તેવી આશા તેમને વ્યક્ત કરી છે. ટૂંક સમયમાં કમિશનર પણ ચાર્જ લેશે તેમ જણાવ્યું છે.
