કચ્છના સામખિયાળી નજીક શનિવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. રાધનપુર બાજુથી આવી રહેલું ટેન્કર સામખિયાળી ટોલગેટ નજીક આગળ જતા કન્ટેનર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાયું હતું.
અકસ્માત એટલો જોરદાર હતો કે ટેન્કરની ચાલક કેબિન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.
સ્થાનિક લોકો, પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે ચાલકને સલામત રીતે બહાર કાઢ્યો હતો.
ઘટના સામખિયાળીના સાઈધામથી થોડે દૂર નવી ચામુંડા હોટેલ સામે બની હતી. ઘાયલ ચાલકને સારવાર માટે લાકડિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતને કારણે ભચાઉ તરફના માર્ગે ટ્રાફિક જામ થયો હતો. પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લીધી હતી.
પ્રાથમિક તપાસમાં ટેન્કરની ઓવરસ્પીડ અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

