Gujarat

નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં સૂસવાટા ભેર પવન સાથે ઠંડીનો ફરી ચમકારો જોવા મળ્યો

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે મંગળવારે સવારથી જ ઠંડીનો પુનઃ ચમકારો શરૂ થયો છે. તાપમાન ગગડતા સમગ્ર ખેડા જિલ્લો ઠંડીમાં ઠુઠવાયો છે. તો બીજી તરફ વાતાવરણ પણ વહેલી સવારે ધુમ્મસ ભર્યું છવાયું હતું.

હાલ સમગ્ર જિલ્લામાં શિયાળાની ઋતુની બરાબર જમાવટ ચાલી રહી છે. નડિયાદ શહેર સહિત જિલ્લાભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે.

રાજ્ય પર આવતા પવનની દિશા બદલાઇને ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના પવનો શરૂ થયા છે. બર્ફીલા પવનો ફૂકાતા રાજ્યના વિવિધ જિલ્લાનું લધુત્તમ તાપમાન 5 ડિગ્રી જેટલું ગગડ્યું છે. આગામી 3 દિવસ શહેરમાં ઠંડીમાં ક્રમશ વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે જ આ સિઝનની સૌથી વધુ ઠંડી હશે.