પંચમહાલના હાલોલ સ્થિત માસવાડ GIDCમાં જમવાની વહેંચણી બાબતે થયેલા ઝઘડામાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા મિત્રની ધરપકડ કરી લીધી છે.
માસવાડ GIDCમાં આવેલી એક એગ્રો કંપનીમાં સનોજ શાહ અને ગપ્પુ કુમાર યાદવ નામના બે પરપ્રાંતીય કામદારો કામ કરતા હતા અને કંપનીની રૂમમાં સાથે રહેતા હતા. બંને મિત્રો વચ્ચે જમવાની વહેંચણીને લઈને બોલાચાલી થઈ હતી. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગપ્પુ યાદવે સનોજ શાહને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગપ્પુ યાદવ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી FSLની મદદ લીધી હતી. હત્યારા ગપ્પુ યાદવને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
હત્યાને અંજામ આપ્યા બાદ ગપ્પુ યાદવ પોતાના વતન બિહાર ભાગી છૂટવાની ફિરાકમાં હતો. પોલીસે GIDC સહિત આસપાસના જંગલ વિસ્તારમાં સઘન વોચ ગોઠવી હતી. મોડી સાંજે ગપ્પુ યાદવ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની વિધિવત ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

