Gujarat

સાંસદ-ધારાસભ્યએ મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને તાત્કાલિક સહાય માટે રજૂઆત કરી

પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે.

આ અંગે સાંસદ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી તાત્કાલિક સર્વે અને આર્થિક સહાય ચૂકવવાની માંગ કરી છે.

સાંસદે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે, આશરે ૨૫ ઓક્ટોબર આસપાસ સંસદીય મતવિસ્તારના પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લામાં ભારે કમોસમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી ડાંગર, મગફળી, મકાઈ અને અન્ય ધાન્ય પાકોને મોટું નુકસાન થયું છે.વરસાદ સમયે તમામ પાકોની લણણીની પ્રક્રિયા ચાલુ હતી.

કમોસમી વરસાદને કારણે પાક ઉપરાંત પશુઓનો ઘાસચારો પણ નષ્ટ થઈ ગયો છે, જેના પરિણામે ખેડૂતોને બેવડું આર્થિક નુકસાન થયું છે.સાંસદે મુખ્યમંત્રીને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરાવવા વિનંતી કરી છે. તેમણે પોતાના મતવિસ્તારના ખેડૂતોને નુકસાનીના વળતર માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરવા પણ ભલામણ કરી છે.