Gujarat

સ્ટોલ/પ્લૉટની સંખ્યા 219થી વધી 238 થઈ, રમકડાના સ્ટોલ 20 વધ્યા તો યાંત્રિક રાઈડ 1 ઘટી

રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આગામી તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાતીગળ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે રાઈડસ રાખવા માટેની રાજ્ય સરકારની કડક SOPનો વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ સ્ટોલ કે પ્લોટના ભાડાની વાત કરીએ તો લોકમેળામાં આઇસ્ક્રીમના ચોકઠાનું 5 દિવસનું ભાડું સૌથી વધુ રૂ.4,50,000 છે.

જ્યારે 50 બાય 80 ફૂટની સૌથી મોટી રાઇડનું ભાડું રૂ.4,20,000 છે. ગત વર્ષની તુલનામાં આ વખતે રમકડાના સ્ટોલની સંખ્યામાં 20નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એક યાંત્રિક રાઈડ વધી છે.

તેમાં પણ 45 બાય 70ની F કેટેગરીની યાંત્રિક રાઈડમાં 4નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પરથી એવું લાગી રહ્યું છે કે છેલ્લી ઘડીએ તમામ રાઈડ ધારકો રાઈડ રાખવાની ના પાડી દે તો તે જગ્યા પર પ્લૉટ ફાળવણી કરવા માટે વહીવટી તંત્રની પૂર્વ તૈયારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ શહેરની લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટરના જણાવ્યાં મુજબ, આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાનમાં 14 થી 18 ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે માટે તા.9 થી તા.13 જૂન સુધી રૂ.200 ની રોકડ સાથેનું અરજી પત્રક શાસ્ત્રી મેદાન પાસેની ઇન્ડિયન બેંક અને જૂની કલેકટર કચેરીમાં નાયબ કલેકટર કચેરીમાં રાજકોટ સીટી પ્રાંત 1 સમક્ષ સવારે 11 થી બપોરે 16 વાગ્યા સુધી મળી શકશે. ભરેલું અરજી પત્રક ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ઇન્ડિયન બેંક ખાતે 13 જૂન સુધી સવારે 11 થી બપોરે 16 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.

બાદમા સ્ટોલ/પ્લૉટની ડ્રો તેમજ હરરાજી રાજકોટ સીટી પ્રાંત 1 કચેરી ખાતેના મિટિંગ રૂમ ખાતે યોજાશે. ડ્રો માટેની તારીખ 23 જૂન તો હરરાજી 24,25 અને 26 જૂન એમ 3 દિવસ રાખવાનું જાહેર કરાયું છે.