ખેડા જિલ્લામાં આજે ગુરૂવારે ગુરૂપૂર્ણિમાના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.
જિલ્લાના મુખ્ય ધાર્મિક સ્થાનોની જો વાત કરવામાં આવે તો, નડિયાદના સંતરામ મંદિર, વડતાલ સ્વામિનારાયણ મંદિર અને ડાકોર રણછોડરાય મંદિરમાં સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.
આ તમામ મંદિરોમાં ભક્તોનો પ્રવાહ છલકાયો છે. આ તમામ મંદિરોમાં ગુરૂપૂજન, પાદુકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
નડિયાદ સંતરામ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી ખેડા જિલ્લામાં આજે ગુરૂપૂર્ણિમા તહેવારની આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
જિલ્લાના નડિયાદ સ્થિત સંતરામ મંદિર, વડતાલ સ્વામિનારાયણ મંદિર અને ડાકોર રણછોડરાય મંદિરમાં સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.
વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ વધ્યો છે. નડિયાદ સંતરામ મંદિરમાં મુખ્ય ગાદિપતિ રામદાસજી મહારાજની નિશ્રામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો અને દિવ્ય અંખડ જ્યોતિના દર્શન કરી ધન્યતા અનુભવી છે.
આ સાથે ભાવિકોએ કંઠી ધારણ કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત સવારે સંતોની અને ભક્તોની ઉપસ્થિતિમાં પાદુકા પૂજન પણ કરવામાં આવ્યું છે.

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પણ આજે ગુરૂપૂર્ણિમાની ઉજવણીમાં ભક્તો રંગાયા છે.
ડાકોરમાં રણછોડરાયના મંદિરની સાથે સાથે 20થી વધુ ગુરૂ ગાદીના સ્થાનો આવેલા છે. ત્યાં પણ ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે.
ડાકોરમાં ભગવાન રણછોડરાયના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આજે દિવસ દરમિયાન લાખો ભક્તો ડાકોરના દ્વારે આવશે.

વડતાલમાં ગુરૂપૂનમની આસ્થા સાથે ઉજવણી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે આજે ગુરૂવારના રોજ ગુરૂપૂર્ણીમા મહોત્સવ ખૂબજ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે.
આ પ્રસંગે નિત્યસ્વરૂપ સ્વામી (સરધાર) પધારી પુનમિયા ભક્તોને બે દિવસ કથાવાર્તાનો લાભ આપશે.
વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડો.સંતવલ્લભદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, સનાતન સંપ્રદાયમાં ગુરૂપૂર્ણિમા એ બહુ મહત્વપૂર્ણ ઉત્સવ મનાય છે.
વેદવ્યાસજીનો જન્મ અષાઢી પૂર્ણિમાના રોજ થયો હતો. જીવનના અંધકારમાંથી પ્રકાશતરફ લઇ જવાનું કાર્ય ગુરૂ કરે છે. ગુરૂ ભગવાનની ઓળખ કરાવે છે.
ભગવાન વેદવ્યાસે જ્ઞાનના પ્રકાશને ચારે દિશામાં ફેલાવવાનું કાર્ય કર્યું છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયના વડા તરીકે આચાર્યની સ્થાપના કરી છે તેઓ સંતો-પાર્ષદો-બ્રહ્મચારીઓ તથા હરિભક્તોના ગુરૂ ગણાય છે.

આજે પૂનમના રોજ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ શણગાર આરતી બાદ શ્રીહરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું હતું.
મંદિરના ભુદેવ ધીરેન મહારાજ પૂજાવિધિ કરાવી હતી. સવારે 7:30થી 11:30 સુધી વડતાલ મંદિરના સભામંડપમાં પુનમ સત્સંગસત્ર યોજાશે.
જેના વક્તપદે નિત્યસ્વરૂપદાસજીસ્વામી (સરધાર) કથાનું રપાન કરાવ્યું હતું.
ગુરુપૂર્ણીમા પ્રસંગે ગઢડા, ધોલેરા, જુનાગઢ તથા વડતાલ તાબાના મંદિરોના સંતો, મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આચાર્ય મહારાજનું પૂજન કર્યું હતું.

આ પ્રસંગે વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડો.સંતવલ્લભદાસ સ્વામી, મુખ્યકોઠારી દેવપ્રકાશદાસજી સહિત સમગ્ર ટ્રસ્ટી બોર્ડના સભ્યો સત્સંગસમાજ વતી આચાર્ય મહારાજનું પૂજન કર્યું હતું.
ત્યારબાદ સમગ્ર ગુજરાત-મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવેલા ભક્તો આચાર્ય મહારાજનું પૂજન કરી રૂડા આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા.
ગુરૂપૂર્ણીમા પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સૌ સંતો ભક્તોને આર્શીવાદ પાઠવ્યા હતા.



