મહેમદાવાદ તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પતિએ પોતાની પત્નીની જાણ બહાર બીજા લગ્ન કરી લીધા છે.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પત્ની પોતાના પુત્રની બાળાવાળની બાધા માટે સાસરે આવી હતી.
27 વર્ષીય પીડિતાના લગ્ન 2011માં થયા હતા. નર્સિંગની નોકરી કરતી આ મહિલા સાથે શરૂઆતમાં તેના પતિનું વર્તન સારું હતું.
પરંતુ પછીથી નાની-નાની વાતે ઝઘડા થવા લાગ્યા. પરિણામે પત્ની પિયર ચાલી ગઈ અને કઠલાલ કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો.
સમાજના આગેવાનો અને પરિવારજનોની મધ્યસ્થીથી બંને વચ્ચે સમાધાન થયું. 2020માં તેમને પુત્રનો જન્મ થયો.
પરંતુ પુત્રના જન્મ બાદ ફરી પતિનો ત્રાસ શરૂ થયો. શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને પત્ની પુત્ર સાથે ફરી પિયર ચાલી ગઈ.
તાજેતરમાં પુત્રની બાળાવાળની બાધા માટે સાસરે આવેલી પત્નીને જાણવા મળ્યું કે તેના પતિએ 2024માં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે.
પરિવારજનોની હિંમતથી પીડિતાએ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં પતિ અને બીજી પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.