Gujarat

મહિલાને એક વર્ષની કેદ અને રૂ.9 લાખ વળતર ચૂકવવા આદેશ, નહીં ચૂકવે તો વધુ 3 માસની સજા

ડીસામાં એક નોંધપાત્ર ચેક રિટર્ન કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે આરોપી મહિલાને એક વર્ષની કેદની સજા ફટકારી છે.

કેસની વિગતો મુજબ, ડીસાના શ્રીરામ ચોક વિસ્તારના રહેવાસી પરેશકુમાર ચોખાવાલા પાસેથી તેમના મિત્ર રસિકલાલ ચોખાવાલાએ રૂ.9 લાખ ચાર માસ માટે ઉછીના માંગ્યા હતા. પરેશભાઈએ સહકારી મંડળીમાંથી રૂ.20 લાખની લોન લઈને તેમાંથી રૂ.9 લાખ રસિકલાલની પત્ની શર્મિષ્ઠાબેનની હાજરીમાં આપ્યા હતા. રસિકલાલે દોઢ માસમાં રકમ પરત કરવાનું વચન આપ્યું હતું.

મુદત પૂરી થતાં પરેશભાઈએ પૈસાની માંગણી કરતા રસિકલાલે તેમની પત્ની શર્મિષ્ઠાબેનના નામનો દેના બેંક ડીસા શાખાનો રૂ.9 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક આદર્શ કો-ઓપરેટિવ બેંકમાં જમા કરાવતા અપૂરતા બેલેન્સને કારણે પરત ફર્યો હતો. કાનૂની નોટિસ પાઠવ્યા બાદ પણ પૈસા ન ચૂકવાતા શર્મિષ્ઠાબેન વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ન્યાયાધીશ વાય.એન. પટેલે કેસની સુનાવણી બાદ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ શર્મિષ્ઠાબેનને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા ઉપરાંત 30 દિવસમાં રૂ.9 લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે. જો વળતરની રકમ નહીં ચૂકવાય તો વધુ ત્રણ માસની સજા થશે તેવો પણ આદેશ કર્યો છે.