વડોદરા ગંભીરા પુલ દુર્ઘટના બાદ ગુજરાતના વિવિધ પુલોની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થયા છે.
આ શ્રેણીમાં હવે ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલા ગબ્બરવાળી પુલની સ્થિતિ પણ ચિંતાજનક બની છે.

આ પુલ નીચેથી છાપરી નદી વહે છે, જેમાં ચોમાસા દરમિયાન પાણીનો પ્રવાહ વધી જાય છે. પુલ પરથી દરરોજ લક્ઝરી બસ, માર્બલ ભરેલા ટ્રક, ગુજરાત-રાજસ્થાન એસટી બસ સહિત હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે.

પુલની વર્તમાન સ્થિતિ જોતા તેની મજબૂતાઈ અંગે ચિંતાઓ વધી છે. પુલના નીચેના ભાગમાં નકામા ઝાડ ઉગી નીકળ્યા છે.
કેટલાક ભાગમાં તૂટફૂટ પણ જોવા મળે છે. વડોદરા પુલ દુર્ઘટના જેવી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે આર એન્ડ બી વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરવાની માંગ ઉઠી છે.

રાજ્ય સરકારે તમામ ક્ષતિગ્રસ્ત પુલોની તપાસ અને તાત્કાલિક મરામતના આદેશ આપ્યા છે. આ પુલ વર્ષો જૂનો છે અને ગુજરાત-રાજસ્થાન વચ્ચેના વ્યાપાર અને પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે.
