ઉત્તર ગુજરાતમાં સોમવારે 39 તાલુકામાં સવા ઇંચ સુધીના વરસાદ વચ્ચે 3 લોકોના મોત નીપજ્યાં હતા. જેમાં ભિલોડામાં 2 યુવકનું વીજળી પડવાથી અને પાટણમાં વીજળી બાદ કડાકાથી ડરી ગયેલી યુવતીનું હાર્ટએટેકથી મોત થયું હતું. જ્યારે મંગળવાર સાંજે 6 વાગ્યા સુધીમાં 3 તાલુકામાં 2 થી 8 મીમીનો વરસાદ પડ્યો હતો.
જ્યારે રાત્રે મહેસાણા, બહુચરાજી, ખેરાલુ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ભિલોડા તાલુકાના ધધાસણમાં વીજળી પડતાં ગામના ડામોર વિશાલકુમાર દિપકભાઇ (28) અને મેઘરજના ગોરવાડાના ગેલોત લાલજીભાઇ શંકરભાઇ (23)નું મોત થયું હતું.
જ્યારે પાટણના સુજનીપુરમાં માનસીબેન પંચાલનું વીજળીના કડાકા-ભડાકાથી ડરી જતાં ઘટના સ્થળે હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. બીજી તરફ, મંગળવાર સાંજે 6 વાગ્યા સુધીમાં મોડાસામાં 8 મીમી, સાંતલપુરમાં 6 મીમી અને માલપુરમાં 2 મીમી વરસાદ પડ્યો હતો. 48 કલાકથી વરસાદી માહોલના કારણે દિવસનું તાપમાન સાડા 4 ડિગ્રી સુધી ઘટ્યું હતું.
મુખ્ય 5 શહેરોમાં દિવસનું તાપમાન 30.8 થી 32.6 ડિગ્રી રહેતાં વાતાવરણ સામાન્ય ઉકળાટ સાથે ઠંડુગાર રહ્યું હતું. દરમિયાન, રાત્રે 7 વાગ્યા બાદ પવનની ગતિમાં વધારો થતાં વાતાવરણ વાદળછાયું બન્યું હતું અને નવ વાગ્યા પછી જોરદાર ઝાપટાં પડ્યાં હતાં. હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે ઉત્તર ગુજરાતમાં 75 ટકાથી વધુ વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટરની ઝડપે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
આ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં અતિભારે તેમજ મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેને લઇ એપીએમસીમાં સાવચેતી રાખવા જણાવાયું છે. મહેસાણા શહેરમાં મંગળવારે રાત્રે 9.10 વાગે વરસાદી ઝાપટું પડ્યું હતું.
જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં વીજળી પડવાથી 19 અને ઝાડ પડવાથી 2 પશુઓનાં મોત થયાં હતાં. વીજળી પડતાં બહુચરાજીના ડેડાણા અને સતલાસણાના નાની ભાલુ, વજાપુર અને ખોડામલી, ખેરાલુના ચાણસોલ અને ડભાડ, વિસનગરના મોટા ચિત્રોડા, વડનગરના સબલપુર, વિજાપુરના ટીંટોદણ અને ચંદ્રનગર, મહેસાણાના દેવરાસણ, મેઉ, હાડવી અને આંબલિયાસણ સહિતના ગામોમાં ગાય, ભેંસ, ઘોડી સહિત 19 પશુઓનાં મોત થયાં હતાં. જ્યારે બહુચરાજીના રૂપપુરા અને વિજાપુરના ખણુંસા ગામે ઝાડ પડવાથી ગાય અને ભેંસના મોત થયાં હતાં. 21 પૈકી ત્રણ પશુઓની જિલ્લા પંચાયતને દરખાસ્ત મળતાં પશુમાલિકોને રૂ.95 હજાર સહાય ચૂકવી દેવાઇ હતી.

