ગાંધીનગર શહેરી વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ઉમિયા પરિવાર દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરો અને બેનરોને અસામાજિક તત્વોએ ફાડી નાંખતા ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં ઉમિયા પરિવારના આગેવાનો અને તમામ સમાજના લોકોએ આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં તાત્કાલિક ધોરણે અસામાજિક તત્ત્વો સામે પગલાં લેવા ઉમિયા પરિવારે માગ કરી છે.
ઉમિયા પરિવાર દ્વારા આ બેનરો લગાવવામાં આવ્યાં, જેમાં અમુક પોસ્ટરોમાં અસામાજીક તત્વો દ્વારા કમિટી મેમ્બરોના ફોટા ફાડી નાખવામાં આવ્યાં છે. જ્યારે એક ફોટોમાં જોઈ શકાય છે કે ફક્ત બેનરમાં રહેલાં બીજા ફોટાઓ ફાડ્યા છે અને સરદારનો ફોટો ફાડવામાં આવ્યો નથી.
150મી જયંતીના બે દિવસ પહેલા જ સરદારના પોસ્ટર ફાડ્યા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘અખંડ ભારતના શિલ્પી’ અને ‘લોહ પુરુષ’ને શુભેચ્છા પાઠવવા માટે ઉમિયા પરિવાર તરફથી રાયસણ, કુડાસણ, કોબા, અને કે. રહેજા રોડ સહિતના વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા હતાં.
જે પૈકી શ્યામ શુકન (પી.ડી.પી.યુ. ચાર રસ્તા),કે. રાહેજા ત્રણ રસ્તા (પી.ડી.પી.યુ. થી કોબા સર્વિસ રોડ), ભાઈજી પૂરાથી ગિફ્ટ સિટી રોડ પરનું મેટ્રો સર્કલ, સાર્થક ફોરચ્યુન ચોકડી અને સી.ટી.પલ્સ સિનેમાની બાજુમાં લાગેલા પોસ્ટરો અને બેનરોને અસામાજિક અને વિઘ્નસંતોષી તત્વો દ્વારા જાણીજોઈને ફાડી નાખવામાં આવ્યા છે.

