નડિયાદ શહેરના દેસાઈવગામાં સામાન્ય વરસાદે પણ પાણી ભરાઈ જતા હોવાને કારણે આ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં આવતાં દર્દી અને તેમના સગા અને રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
શહેરની મહત્તમ હોસ્પિટલ આ વિસ્તારમાં આવેલી હોવા છતાં વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ ગયું છે.
નડિયાદ શહેરમાં શુક્રવારે બપોરના સમયે 2.00 થી 4.00ના સમયગાળામાં 10 મીમી વરસાદ વરસ્યો હતો.
જેને કારણે સવારથી જ અનુભવાતાં ઉકળાટમાં લોકોએ રાહત અનુભવી હતી.
જોકે, માત્ર અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવા છતાં પણ શહેરના નિચાણમાં કહેવાતા દેસાઈ વગા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.
જેને કારણે ખાસ કરીને આ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલાં દર્દીઓ તેમજ તેમના સગાઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગણતરીના સમય માટે પડેલા વરસાદમાં જ ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા બિમાર દર્દીને લાવવા – લઈ જવામાં પરિવારજનોને હાલાકી પડી હતી.
તેમાંય ખાસ કરીને ઓર્થોપેડિક તબીબની હોસ્પિટલમાં પ્લાસ્ટર માટે આવતા દર્દીઓની મુશ્કેલી વધી હતી.
તંત્ર દ્વારા વર્ષો જૂની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ રહીશો અને લોકો કરી રહ્યા છે.
આ વિસ્તારમાં પાણી ભરાવવાના મુખ્ય કારણ
આ વિસ્તાર ઢાળવાળો હોવાથી પારસ સર્કલ તરફથી આવતું પાણી ઢાળ પર થઇ દેસાઇ વગામાં ભેગું થાય છે – વિસ્તાર નિચાણવાળો હોવાથી આસપાસના વિસ્તારનું પાણી પણ અહીં ભેગું થાય છે – મહત્વનો વિસ્તાર હોવાછતાં અને વર્ષોથી સમસ્યા હોવાછતાં કાયમી ઉકેલ લાવવામાં તંત્ર ઉણું ઉતર્યું છે – આ વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલ માટે વધુ અસરકારક વ્યવસ્થા કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવવાની શક્યતા સ્થાનિકો વ્યક્ત કરે છે.