હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રાજ્યમાં વાતાવરણ પલટાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. આજે ગાંધીનગરમાં સવારનું તાપમાન 29 ડિગ્રી નોંધાયું છે.
શહેરમાં આજે મહત્તમ તાપમાન 39.4 થી 42.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22.2 થી 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત સિવાયના તમામ જિલ્લાઓમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે.
હવામાન વિભાગે માછીમારોને 19 એપ્રિલથી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. હાલમાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, બિહાર અને પૂર્વી આસામ પર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. એક ટ્રફ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી મન્નારના અખાત સુધી અને બીજી ટ્રફ પૂર્વ મધ્યપ્રદેશથી દક્ષિણ આસામ સુધી વિસ્તરેલી છે. દક્ષિણ રાયલસીમા પર પણ ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે. આ તમામ સિસ્ટમોને કારણે સમગ્ર દેશના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થઈ રહ્યા છે.

