૨૨૦ થી વધુ મહિલાઓની ઉપસ્થિતિ
ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. ગાંધીનગર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અને જાગૃતિ શિબિરનું આયોજન ધોરાજી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૨૨૦ થી વધુ મહિલાઓએ ઉપસ્થિત રહીને રાજયસરકારની મહિલા સ્વાવલંબન અંગેની વિવિધ યોજનાઓ અંગેની માહિતી મેળવી હતી.
રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલે શિબિરમાં મહિલા સ્વાવલંબન યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મહિલા સ્વાવલંબન યોજના થકી રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનું ભગીરથ કર્યા કરી રહી છે. મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બનીને રાજ્યના સ્વયંના તથા પરિવારના વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી – રાજકોટ બાળ વિકાસ યોજના અધિકારી – ધોરાજી, ટ્રસ્ટ્રીશ્રી શ્રી સરસ્વતી વિદ્યાપીઠ-ભૂતવડ, બેંક મેનેજરશ્રી નાગરિક સહકારી બેંક – ધોરાજી ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા સ્વાવલંબન યોજના મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ ગરીબી રેખા હેઠળ જીવતા કુંટુબોની જરૂરીયાતમંદ મહિલાઓને સ્વરોજગારી માટે બેંક લોન આપી પગભર બનાવવાનો છે.
આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય હેતુસર રૂ. ૨,૦૦ લાખ સુધીની બેંક લોન માટે ભલામણ કરવામાં આવે છે. આ યોજનાના ધિરાણ હેઠળ જનરલ કેટેગરી ૩૦% અથવા ૬૦,૦૦૦/-, અનુ. જનજાતિ તથા અનુસૂચિત જાતિની મહિલાને ૩૫% અથવા ૫૦,૦૦૦/-, વિધવા મહિલા તથા ૪૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતી મહિલા ૪૦% અથવા મહત્તમ રૂ. ૮૦૦૦૦/- બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સબસીડી મળવા પાત્ર રહેશે.
લાભાર્થી ૧૮ થી ૬૫ વર્ષની વય મર્યાદામાં લાભ મેળવી શકે છે. આવકનું ધોરણ – ગ્રામ્ય વિસ્તારમાં માટે રૂ. ૧,૨૦,૦૦૦/- શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/- નક્કી કરવામાં આવ્યું છે. વ્યક્તિગત – મહત્તમ રૂ. ૨,૦૦,૦૦૦/- (બે લાખ) સુધીની બેંક લોન માટે ભલામણ કરવામાં આવશે.
આ યોજના હેઠળ લોન સહાય મેળવવા ધંધા/ઉદ્યોગની યોજના અંતર્ગત કુલ ૩૦૦ પ્રકારના ટ્રેડનો સમાવેશ કરેલ છે. મહિલા સ્વાવલંબન યોજનાનુ અરજીપત્રક જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીએથી વિના મુલ્યે મળી રહેશે.