Gujarat

સેવા અને સુરક્ષાના ગૌરવશાળી ૨૫ વર્ષ રાજકોટ ખાતે પૂર્ણ કરતી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સી.આઈ.એસ.એફ.)

૪થી ૧૦ માર્ચ સુધી મીલેટ્સ મેળાવૃક્ષારોપણ, મેડીકલ કેમ્પસાયકલ રેલી સહિતના કાર્યક્રમો યોજાશે

દેશના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યુરીટી ફોર્સ (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ – C.I.S.F.)ના જવાનો દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક સાહસો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણું અને અંતરીક્ષ અનુસંધાન કેન્દ્રો, સરકારી ભવનો તથા અન્ય સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા અર્થે ૨૪*૭ ખડેપગે રહે છે. જે સંદર્ભે રાજકોટના એરપોર્ટની સુરક્ષા માટે તૈનાત CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) યુનિટની સ્થાપના વર્ષ ૨૦૦૦માં થતાં ૭ માર્ચે ૨૫ વર્ષ પૂર્ણ થશે.

આ ઐતિહાસિક સિધ્ધિને યાદ કરવા સી.આઈ.એસ.એફ.ના ડેપ્યુટી કમાન્ડન્ટશ્રી અમનદીપ શિરસ્વાએ જણાવ્યું હતું કે, તા.૦૪ થી ૧૦ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ રજત જયંતિ ઉજવણી ફક્ત એક ઉત્સવ નહીં, પરંતુ સુરક્ષા, સમાજ સેવા અને સમુદાયની ભાગીદારીનું ઉદાહરણ છે.

જે અન્વયે તા.૦૪ માર્ચે રાજકોટમાં સી.આઈ એસ એફ યુનિટ લાઈન એ.એ.આઈ.કોલોની ખાતે સવારે ૮ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી મીલેટ્સ મેળો યોજાશે. તા.૦૫/૦૩/૨૦૨૫ના રોજ હિરાસર બામણબોર ગામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. તા.૦૭/૦૩/૨૦૨૫ના રોજ હીરાસર એરપોર્ટ ખાતે સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ સુધી ક્વિક રીએકશન ટીમના કમાન્ડો દ્વારા વિવિધ કરતબ ઉપરાંત, ડોગ શો પણ યોજાશે.

  

તા.૦૮/૦૩/૨૦૨૫ના રોજ રોટરી ક્લબના સહયોગથી સી.આઈ.એસ.એફ. યુનિટ લાઈન કોલોની ખાતે સવારે ૮ વાગ્યાથી મેડીકલ કેમ્પનું આયોજન કરાશે. તા.૦૯/૦૩/૨૦૨૫ના રોજ ભારતના ગુજરાત અને પશ્ચિમ બંગાળ એમ બંને તટીય રાજ્યથી કન્યાકુમારી સુધી સાયકલ રેલીનું આયોજન થશે.