અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ૨૫ ટકા ટેરિફની અસર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટન સહિત યુરોપના ઓટો સેક્ટર પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેને પગલે યુરોપના દેશોની અમેરિકામાં કારની નિકાસ મોંઘી થશે. આવા સમયે ટાટા મોટર્સની પેટા કંપની જગુઆર લેન્ડ રોવરે બ્રિટનમાં ઉત્પાદિત તેની કારની એક મહિના માટે અમેરિકામાં નિકાસ નહીં કરવાનો ર્નિણય કર્યો છે.
આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટાટા મોટર્સની પેટા કંપની જગુઆર લેન્ડ રોવર બ્રિટનની સૌથી મોટી કાર બનાવતી કંપની છે. કંપનીએ લીધેલા ર્નિણયનો અમલ સોમવારથી થશે. અમેરિકન સરકારે ઓટો સેક્ટર પર લગાવેલો ૨૫ ટકા ટેરિફ ગુરુવારથી લાગુ થયો છે. ટ્રમ્પના ટેરિફથી બચવા માટે કંપનીએ આ ર્નિણય લીધો હોવાનું મનાય છે. જગુઆર લેન્ડ રોવર બ્રિટનમાં ૩૮,૦૦૦ લોકોને રોજગારી આપતી કંપની છે.
જેએલઆર પાસે અમેરિકામાં પહેલાથી જ કારનો બે મહિનાનો પુરવઠો છે, જેના પર નવા ટેરિફ લાગુ નથી થવાના. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જેએલઆરની લક્ઝરી બ્રાન્ડ્સ માટે અમેરિકા મહત્વનું બજાર છે. જાેકે, અમે અમારા બિઝનેસ પાર્ટનર્સ સાથે નવી ટ્રેડિંગની શરતો અંગે વાટાઘાટો કરી રહ્યા છીએ. તેથી અમે એપ્રિલમાં એક મહિના માટે અમેરિકામાં અમારી કારની નિકાસ નહીં કરવાનો ર્નિણય કર્યો છે.
અમે હાલ આ સંદર્ભમાં લાંબાગાળાની યોજના બનાવી રહ્યા છીએ. ટ્રમ્પના નવા ટેરિફની બ્રિટિશ ઓટોમોટિવ કંપની પર ગંભીર અસર પડવાની આશંકા છે. બ્રિટિશ કાર ઉત્પાદકો ઘરઆંગણે માગમાં ઘટાડાનો સામનો કરી રહ્યા છે અને તેમણે ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે તેમના ઉત્પાદન એકમોને નવેસરથી તૈયાર કરવાની જરૂર છે.