Gujarat

કેન્દ્ર સરકાર હવે ડુંગળી રૂ. ૧૬.૫૦ પ્રતિ કિલોના ભાવે ખરીદશે, નવી ખરીદી કિંમત અમલમાં

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જાેશીએ તાજેતરમાં વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ડુંગળી ખરીદી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બાબતે મંત્રી પ્રહલાદ જાેશીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે વર્તમાન બજાર ભાવ અને સંગ્રહ માટે જરૂરી ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ડુંગળીની ખરીદી કિંમત પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧,૬૫૦ નક્કી કરવામાં આવી છે, જેનો સીધો અર્થ રૂપિયા ૧૬.૫૦ પ્રતિ કિલોગ્રામ થાય છે.

મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદક ખેડૂતો લાંબા સમયથી વધુ ખરીદી કિંમતની માંગ કરી રહ્યા હતા. ખેડૂતોનું કહેવું હતું કે NAFED અને NCCF દ્વારા આપવામાં આવતો આશરે રૂપિયા ૧,૫૮૦ પ્રતિ ક્વિન્ટલનો દર ઉત્પાદન ખર્ચ અને બજારની અપેક્ષાઓની સરખામણીએ ઓછો હતો.

ખેડૂતોની માંગ હતી કે સરકાર ઓછામાં ઓછો રૂપિયા ૩,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ ( રૂપિયા ૩૦ પ્રતિ કિલોગ્રામ) ખરીદી ભાવ જાહેર કરે. જાેકે સરકારે હાલ ખરીદી કિંમત વધારીને ?૧,૬૫૦ પ્રતિ ક્વિન્ટલ કરી છે.

સરકાર ડુંગળીની ખરીદી શા માટે કરે છે?

સરકાર દર વર્ષે બફર સ્ટોક બનાવવા માટે ડુંગળીની ખરીદી કરે છે. જ્યારે બજારમાં ડુંગળીના ભાવમાં અચાનક વધારો થાય ત્યારે આ સ્ટોક બજારમાં મુક્ત કરવામાં આવે છે, જેથી ગ્રાહકોને રાહત મળે અને ભાવ નિયંત્રણમાં રહે. સાથે જ ખેડૂતોને તેમના પાક માટે વાજબી ભાવ મળે તે પણ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

ડુંગળી ઉત્પાદનનો અંદાજ

સરકારી આંકડા મુજબ, ૨૦૨૫-૨૬ પાક વર્ષ દરમિયાન દેશનું ડુંગળી ઉત્પાદન ૩૦૭.૩૭ લાખ ટન રહેવાનો અંદાજ છે. જ્યારે અગાઉના ૨૦૨૪-૨૫ પાક વર્ષમાં ૩૦૭.૬૭ લાખ ટન ઉત્પાદન નોંધાયું હતું. એટલે કે ઉત્પાદન લગભગ સ્થિર રહેવાની શક્યતા છે.