ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં થયેલા ભયંકર હિમપ્રપાતને ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ ૮ કામદારો બરફની નીચે ફસાયેલા છે. આ ઘટનામાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (મ્ઇર્ં) ના પ્રોજેક્ટમાં કામ કરતા કામદારો ભારે બરફવર્ષા બાદ ફસાયા હતા. આ કામદારોમાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબના લોકોનો સમાવેશ થાય છે.
ઉત્તરાખંડ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સચિવ વિનોદ કુમાર સુમને કહ્યું – ચમોલીમાં હવામાન હજુ પણ ખરાબ છે. ૨૨ લોકોને બચાવવાના પ્રયાસો ચાલું છે. ઘટનાસ્થળે ૨૦૦ થી વધુ લોકોને મોકલવાની તૈયારી ચાલી રહી છે. ૪ હેલિકોપ્ટર કાર્યરત છે. વાયુસેનાનું સ્ૈં-૧૭ હેલિકોપ્ટર સ્ટેન્ડબાયમાં છે. હવામાન સાફ થતાં જ તે અહીં પહોંચી જશે. બીજા દિવસે પણ બચાવ કામગીરી ચાલું છે. એવલાન્ચમાં ફસાયેલા ૫૫ કામદારોમાં બિહારના ૧૧, ઉત્તર પ્રદેશના ૧૧, ઉત્તરાખંડના ૧૧, હિમાચલ પ્રદેશના ૭, જમ્મુ-કાશ્મીરના ૧ અને પંજાબના ૧નો સમાવેશ થાય છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટનાની માહિતી મળતાં જ બચાવ કામગીરી ઝડપી બનાવવાના આદેશ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકાર ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. સરકારે મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરી છે. આજે ૧લી માર્ચના મુખ્યમંત્રી ઘટનાસ્થળની મુલાકાત લેશે.