નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા “ક્રાઈમ ઇન ઇન્ડિયા-2024” રિપોર્ટ બાદ ગુજરાત સરકાર તરફથી એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે સત્તાવાર આંકડાઓ સાથે દાવો કર્યો છે કે, ગુજરાતમાં દારૂબંધીના અત્યંત કડક અમલને કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રોહિબિશનના કેસ નોંધાય છે, જેના લીધે રાજ્યનો કુલ ક્રાઈમ રેટ ઊંચો જોવા મળી રહ્યો છે. જો આ કેસોને અલગ રાખવામાં આવે, તો મહિલા-બાળકો વિરૂદ્ધના ગુના અને હિંસાત્મક ગુનાઓમાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી સુરક્ષિત રાજ્યોમાં અગ્રેસર છે.
રાષ્ટ્રીય સરેરાશ અને ગુજરાતની સ્થિતિ વર્ષ 2024ના અહેવાલ મુજબ, સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ 252.3 રહ્યો હતો, જેની સરખામણીએ ગુજરાતનો કુલ ક્રાઈમ રેટ 227.7 નોંધાયો છે. આ દર સાથે દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે આવે છે.
સરકારના જણાવ્યા મુજબ, રાજ્યમાં દારૂ ગાળવા, વેચવા, હેરફેર કરવા કે પીવા સંબંધિત ગુનાઓમાં પોલીસ દ્વારા સ્વતઃ સંજ્ઞાન (Sua Sponte) લઈને કડક કાર્યવાહી કરાય છે. NCRBના ડેટામાં જ્યારે કુલ ગુનાઓની ગણતરી થાય છે, ત્યારે આ પ્રોહિબિશન હેઠળ નોંધાયેલા ‘સ્પેશિયલ એન્ડ લોકલ લોઝ’ (SLL) ના કેસો પણ તેમાં ઉમેરાય છે, જેને કારણે કુલ ગુનાખોરીનો આંકડો ઊંચો દેખાય છે.
મહિલા અને બાળકો વિરૂદ્ધના ગુનામાં ગુજરાત ઘણું આગળ સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે, પરંપરાગત ગુનાઓમાં ગુજરાતની સ્થિતિ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણી વધુ સારી છે:
મહિલાઓ વિરૂદ્ધના ગુના: રાષ્ટ્રીય સ્તરે ક્રાઈમ રેટ 64.6 છે, જેની સામે ગુજરાતમાં આ દર માત્ર 22.0 છે. આ કેટેગરીમાં ગુજરાત દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 33મા સ્થાને (નીચેથી ચોથા ક્રમે) છે.

