ઉત્તર પ્રદેશના બાગપતમાં એક ધાર્મિક કાર્યક્રમમાં મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં, ભગવાન આદિનાથના નિર્વાણ મહોત્સવમાં લાડુ ઉત્સવ દરમિયાન પરિસરમાં બનેલું લાકડાનું સ્ટેજ અચાનક ધરાશાયી થઈ ગયું હતું જેમાં ઘણા લોકો આ સ્ટેજ નીચે દટાઈ ગયા. આ અકસ્માત બાદ કેમ્પસમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માત બાબતે મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ૭ લોકોના મોત થયા છે. તે જ સમયે, સ્ટેજ નીચે દટાઈ જવાથી અને નાસભાગ મચી જવાથી ૫૦ થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા.
આ અકસ્માત મંગળવારે (૨૮ જાન્યુઆરી) સવારે બારૌત શહેરના કોતવાલી વિસ્તારના ગાંધી રોડ પર થયો હતો. જે પરિસરમાં લાડુ મહોત્સવનું આયોજન થઈ રહ્યું હતું, ત્યાં લાકડાના થાંભલાથી બનેલું સ્ટેજ અચાનક તૂટી પડ્યું અને આ દરમિયાન ઘણા લોકો તેની નીચે દટાઈ ગયા. એટલું જ નહીં, ઘટના બાદ ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસે લોકોને બચાવવા માટે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી, જાે કે આ અકસ્માતમાં ૬ થી ૭ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તે જ સમયે, એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઘાયલોની સંખ્યા વધી શકે છે. ઘટનાની માહિતી મળતા જ ડીએમ અસ્મિતા લાલ અને એસપી અર્પિત વિજયવર્ગીય હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોની હાલત પૂછી રહ્યા છે.
બાગપતમાં થયેલા અકસ્માતની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોંધ લીધી છે. સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી છે. આ સાથે, તેમણે જિલ્લા વહીવટી અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા સૂચના પણ આપી છે. આ સાથે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પણ શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.